મુળીમાં ત્રણ શ્રમિકોનાં મોતના મામલે બે આરોપીની ધરપકડ
- સાપરાધ મનુષ્ય વધ હેઠળ કુલ ત્રણ સામે ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં તંત્ર દ્વારા બુરવામાં આવેલી ખાણ પર ફરીથી ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી પરપ્રાંતિય શ્રમિકો પાસે ખોદકામ કરાવવાનું શરૂ કરાવાયું હતું. જે દરમિયાન ગેસ ગળતરથી ગઈકાલે મૂળ રાજસ્થાનના ત્રણ શ્રમિકોના મોત નિપજયા હતા. આ મામલે મુળી પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ જમીન માલિક સહિત કુલ ત્રણ સામે ગુનો દાખલ કરી બે આરોપીઓ સતવીર (સતુભાઈ) કનુભાઈ કરપડા અને રણજીત વાઘુભાઈ ડાંગર (રહે. બંને રામપરડા, તા.મુળી)ની ધરપકડ કરી તપાસ આગળ ધપાવી છે.
ગેસ ગળતરથી બચી ગયેલા એક શ્રમિકને ફરિયાદી બનાવી મુળી પોલીસની કાર્યવાહી
પ્રાપ્ત માહિતી મુજબ દેવપરા ગામની સીમમાં આવેલી ગેરકાયદે કોલસાની ખાણ તંત્ર દ્વારા બુરી નાખવામાં આવી હતી. જેમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ કબ્જો જમાવી, પરપ્રાંતિય શ્રમિકો પાસે ખોદકામ શરૂ કરાવ્યું હતું. જે દરમિયાન ગઈકાલે ગેસ ગળતર થતાં રાજસ્થાનના ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજયા હતા. જે અંગે સાથે રહેલા અને બચી ગયેલા શ્રમિક કાદર મૈરાતને પોલીસે ફરિયાદી બનાવ્યો હતો.
તેણે પોલીસને જણાવ્યું કે ગઈકાલે ખોદકામ દરમિયાન અચાનક ગેસ ગળતર થતાં તે તત્કાળ બહાર આવી ગયો હતો. જયારે અન્ય ત્રણ શ્રમિકોને ગેસની અસર થતાં બેભાન થઈ ગયા હતા અને તેમના મોત નિપજયા હતા. સુરેન્દ્રનગરના કલેકટર કે.સી. સંપટે જણાવ્યું કે છેલ્લા દોઢ માસથી તંત્ર દ્વારા મુળી અને ખાણ સહિતના તાલુકાઓમાં ભૂમાફિયાઓ દ્વારા ખોદી નખાયેલ ખાણો બુરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાને પગલે એવી ચર્ચા જાગી છે કે એક તરફ તંત્ર દ્વારા ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરી કરવામાં આવેલા ખાડાઓ બુરવામાં આવી રહ્યા છે. જયારે બીજી બાજુ અપુરતા સ્ટાફ અને અનિયમીત પેટ્રોલીંગના કારણે ખનીજ માફીયાઓ ફરીથી બુરી નખાયેલા ખાડાઓમાં ખોદકામ કરી રહ્યા છે. ગઈકાલની ઘટનામાં ભોગ બનનાર શ્રમિકો ખોદકામ કરવા માટે ૧પ૦ ફૂટ ઉંડા ખાડામાં ઉતર્યા હતા. જે દરમિયાન ગેસ ગળતર થતાં ત્રણેય શ્રમિકોનો ભોગ લેવાયો હતો.