જોડિયા બહેનોને ગોલ્ડ મેડલ, પાંચ ગોલ્ડ મેડલ મેળવનારના માતા પિતા નિરાશ
વડોદરાઃ એમ.એસ.યુનિ.માં સંસ્કૃતની વિદ્યાર્થિની મિતવા જોષીને ૬ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે.યુનિવર્સિટીમાં ફિલોસોફીનો અભ્યાસ કરી રહેલી તેની બહેન માનસીને પણ સાથે સાથે એક ગોલ્ડ મેડલ મળ્યો છે.મિતવા અને માનસી જોડિયા બહેનો છે અને બંનેને ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી છે.
મિતવા જોષીએ કહ્યુ હતુ કે, અત્યારે હું લેક્ચરર તરીકે કામ કરી રહી છું પણ મારે આગળ જઈને વેદાંત પર પીએચડી કરવુ છે.મારા ઘરમાં જે પ્રકારનો માહોલ છે તેના કારણે નાનપણથી મારુ ફોકસ વેદો અને ઉપનિષદો પર હતુ.ધો.૧૦ અને ૧૨માં પણ સંસ્કૃતમાં મારા ૧૦૦માંથી ૯૮ માર્કસ હતા.મિતવાની બહેનને ફિલોસોફીમાં માસ્ટર્સ ડિગ્રી માટેનો સૌથી પહેલો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.બંને બહેનો સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલી છે.
પાંચ ગોલ્ડ મેડલ મેળવનાર વ્યોમા ધોળકિયાના માતા-પિતા નિરાશ
પાંચ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હાલમાં અમેરિકામાં અભ્યાસ કરી રહેલા સોશિયલ વર્ક ફેકલ્ટીની વિદ્યાર્થિની વ્યોમા ધોળકિયાના પિતા પ્રણવ ધોળકિયા અને દીપા ધોળકિયા સન્માન સમારોહમાં આવ્યા હતા.તેમણે યુનિવર્સિટીના અધિકારીઓ સમક્ષ માંગ કરી હતી કે, અમારી પુત્રીની ગેરહાજરીમાં અમને પદવીદાન સમારોહમાં પાંચ ગોલ્ડ મેડલ આપવામાં આવે.જોકે અધિકારીઓએ નિયમને આગળ ધરીને કહ્યુ હતુ કે, પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીને જ ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.આ સાંભળીને તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યુ હતુ કે ,અમારી દીકરી યુનિવર્સિટીનુ નામ અમેરિકામાં પણ રોશન કરી રહી છે અને તે પણ રાહ જોઈ રહી છે કે ક્યારે હું ગોલ્ડ મેડલ જોઈ શકું ત્યારે યુનિવર્સિટીનુ આ પ્રકારનુ વલણ યોગ્ય નથી.યુનિવર્સિટીએ ગેરહાજર સ્ટુડન્ટના માતા પિતાને પદવીદાન વખતે જ ગોલ્ડ મેડલ એનાયત કરવા જોઈએ.