ખાણખનીજવિભાગે જપ્ત કરેલી રોયલ્ટી વગરની ટ્રક ગોડાઉનમાંથી રેતી માફિયાઓ છોડાવીને ભાગી ગયા

કાયદેસરની કાર્યવાહી થાય તે પહેલાં જ ટ્રક ફરીથી ગોડાઉનમાં જમા થઇ ગઇ ઃ દંડ વસૂલાશે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
ખાણખનીજવિભાગે  જપ્ત કરેલી  રોયલ્ટી વગરની ટ્રક ગોડાઉનમાંથી રેતી માફિયાઓ છોડાવીને ભાગી ગયા 1 - image

, તા.5 વડોદરા નજીક પાદરા રોડ પરથી રોયલ્ટી વગરની રેતી ભરેલી એક ટ્રક સીઝ કરીને લાવ્યા બાદ ખાણખનીજખાતાના ગોડાઉનમાંથી દાદાગીરી કરીને ટ્રક લઇને ભાગી ગયેલા રેતી માફિયાઓને ઝડપી પાડવા માટે રોયલ્ટી ઇન્સ્પેક્ટરો તેમજ સ્ટાફના માણસોએ દોડધામ કરી મૂકી હતી.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા ખાણખનીજવિભાગમાં ફરજ બજાવતી એક મહિલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફના અન્ય માણસોએ જિલ્લાના માર્ગો પર ઓવરલોડ અથવા રોયલ્ટી વગર ખનીજનું વહન કરતાં વાહનોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન બપોરના સમયે પાદરારોડ પરથી રેતી ભરેલી એક ટ્રક પસાર થતાં તેને રોકી રોયલ્ટી પાસ માંગતા તે મળ્યો ન હતો જેથી આ ટ્રકને સીઝ કરીને ખાણખનીજવિભાગના ગોરવા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાવવામાં આવી હતી.

રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ અન્ય દ્વારા આગળની કાર્યવાહી કરાતી હતી ત્યારે જ રેેતી માફિયાઓ ઉશ્કેરાયા  હતા અને ગોડાઉનમાંથી જબરજસ્તી રેતી ભરેલી ટ્રકને લઇને ભાગી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ ખાણખનીજવિભાગના કર્મચારીઓએ કાયદેસરની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓના અભિપ્રાય મેળવવાનું શરૃ કર્યું હતું અને સાથે રેતી ભરેલી ટ્રકને શોધી કાઢવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી. જો કે મોડી સાંજે ખાણખનીજવિભાગે ટ્રકને ઝડપી પાડી ફરીથી ગોડાઉનમાં જમા કરાવી દીધી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રકચાલક પાસે રોયલ્ટી ન હતી અને હવે તેની પાસેથી દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.




Google NewsGoogle News