સબસિડિવાળા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક ભરથાણા ટોલનાકેથી ઝડપાઇ

નીમ કોટેડ ખાતરને અલગ બેગોમાં ભરીને વગે કરાતું હતું ઃ ચાર સામે ફરિયાદ

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
સબસિડિવાળા ખાતરનો જથ્થો ભરેલી ટ્રક ભરથાણા ટોલનાકેથી ઝડપાઇ 1 - image

કરજણ તા.૨૦ સબસિડિવાળું ખાતર ખુલ્લા બજારમાં ગેરકાયદે વેચાણનું નેટવર્ક ઝડપાતા કરજણ પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરથાણા ટોલનાકા પરથી એક ટ્રકમાં સબસિડિવાળું ખાતર મહેસાણાથી મહારાષ્ટ્ર લઇ જતી વખતે ઝડપાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક ટ્રકમાં સબસિડિવાળા ખાતરનો જથ્થો મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે તા.૬ના રોજ વડોદરાના નાયબ ખેતી નિયામક તેમજ સ્ટાફના માણસોએ વોચ ગોઠવીને બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં ટ્રકમાં શંકાસ્પદ ખાતરનો જથ્થો હોવાનું જણાયું  હતું. ટ્રકના ચાલક દિનેશ કોહરામ નાઇ (રહે.બેડીયા,તા.શીતલવાના,જાલોર, રાજસ્થાન) તેમજ ક્લિનર બાબુરામ નરસિંગારામ સારન (રહે.રબાસર લીલાવાસ, તા.ધનાવ, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ને મુદ્દામાલ સાથે કરજણ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતાં. ટ્રકમાં મળેલી સફેદ રંગની કોઈપણ જાતના લખાણ કે માર્કા વગરની સીલબંધ કુલ ૬૩૮ બેગો જોવા મળી હતી. ટ્રકના ચાલક અને ક્લિનરની પૂછપરછ કરતાં જથ્થો અંજની ટ્રેડર્સ વૈભવ કોમ્પ્લેક્સ, પાટણ રોડ, ઊંઝા, મહેસાણાથી લઈને રિવરસાઈડ ઇન્ડસ્ટ્રીઝ, ખેડ, મહારાષ્ટ્ર લઈ જતાં હોવાનું જણાવ્યું હતું.

આ અંગે અંજની ટ્રેડર્સના માલિક રોહિતસિંહ કોમલસિંહ સિકરવર (રહે.ઊંઝા,જી.મહેસાણા)એ ખુલાસો રજૂ કરી ખેતી વિભાગને જણાવેલ કે ટ્રકમાં બિલમાં જણાવ્યા પ્રમાણે કોસ્ટિક સોડા ફ્લેક્સ મહારાષ્ટ્રની રિવરસાઈડ ઇન્ડસ્ટ્રીઝને મોકલેલ હોવાનું સ્વીકાર્યું હતું અને પોતે રાસાયણિક ખાતરના વિક્રેતા નહિ હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

શંકાસ્પદ ખાતરના પૃથ્થકરણ બાદ ખાતરનો જથ્થો નીમ કોટેડ યુરિયા(ખેતીમાં વપરાશ માટેનું સબસિડાઇઝ રાસાયણિક ખાતર) પુરવાર થયું હતું. જે અંગે નાયબ ખેતી નિયામક વડોદરા દ્વારા કરજણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકના ચાલક, ક્લિનર તેમજ માલ મોકલનાર અને મંગાવનાર એજન્સીઓના જવાબદાર એમ ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News