વડોદરામાં APMC માર્કેટમાંથી વિદેશી દારૂ અને બિયરનો 31 લાખનો જથ્થો ભરેલી ટ્રક પકડાઇ
image : Freepik
- નામચીન બૂટલેગર નિલુ સિન્ધીના ગોડાઉનમાં દારૂ ઉતારતા સમયે જ પોલીસ ત્રાટકી
વડોદરા,તા.31 ઓગસ્ટ 2023,ગુરૂવાર
નામચીન બૂટલેગર નિલુ સિન્ધીએ મંગાવેલો 31 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક પીસીબી પોલીસે મોડીરાતે એ.પી.એમ.સી.ના ગોડાઉન નજીકમાંથી ઝડપી પાડયો હતો. પોલીસે નિલુ સિન્ધીના સાઢુ ભાઇ સહિત બે આરોપીઓને ઝડપી પાડયા હતા. જ્યારે બૂટલેગર નિલુ સિન્ધી સહિત છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક આઇશર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે. અને તે ટ્રક એ.પી.એમ.સી.માર્કેટમાં આવેલા પ્રેમ રોડવેઝ નામના ગોડાઉન પાસે ઉભો છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે ઉભેલો કેટલાક લોકો નાસભાગ કરવા લાગ્યા હતા. તે પૈકી એક શખ્સને ટ્રકનો પાછળનો દરવાજો ખોલતા ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય લોકોનો પોલીસે પીછો કરતા અન્ય એક આરોપી પકડાઇ ગયો હતો. અને બે આરોપી દીવાલ કૂદીને ભાગી ગયા હતા.
પોલીસે (1) પ્રશાંત રાજુભાઇ જાદવ (રહે. માધવનગર, ફિલ્મ સિટિ પાસે, આજવા રોડ) તથા (2) હિમાંશુ નારાયણદાસ ચંદાણી (રહે. સર્જનમ રેસિકોમ, ખોડિયાર નગર ચાર રસ્તા પાસે)ને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરનો 31.06 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓએ કર્ણાટકથી અમદાવાદ માટેના ઓટો પાર્ટ્સના ખોટા બિલો બનાવી દારૂની હેરાફેરી કરી હતી. પોલીસે દારૂ, મોબાઇલ ફોન, રોકડા અને ટ્રક મળીને કુલ રૂપિયા 41.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપી હિમાંશુની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ ગોડાઉન તેના સાઢુ ભાઇ નિલેશ નાથાણી ઉર્ફે નિલુ સિન્ધીનું છે. દારૂનો જથ્થો નિલુએ મંગાવ્યો છે. દારૂ ક્યાંથી મંગાવ્યો ? તેની જાણ નથી. આરોપીઓ ટ્રકમાંથી ગોડાઉનમાં દારૂ ઉતારવાની તૈયારી કરતા હતા. ત્યારે જ પોલીસ ત્રાટકી હતી.