સાદરા-ચિલોડા માર્ગ પર નિયમિત બસની સુવિધા શરૃ ન થતાં હાલકી
અવર-જવર માટે હાલાકી ભોગવતા ગ્રામજનો
નાગરિકોની આવન-જાવન હોવા છતાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૂરતી બસ શરૃ કરાતી નથી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.ની સુવિધા નહીં હોવાના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે.સાદરાથી ચિલોડા તરફના માર્ગ ઉપર આયોજન પૂર્વકની બસ સુવિધા શરૃ કરવામાં આવે તો તેનો લાભ ગ્રામ્યવિસ્તારના લોકોને મળી શકે એમ છે. આ માર્ગ ઉપર ઘણા ગામ આવેલા છે. તો બીજી તરફ માર્ગની આસપાસ વસાહતી વિસ્તાર પણ આવેલા છે.સમગ્ર દિવસ દરમિયાન લોકોની આવન-જાવનવાળા માર્ગ ઉપર બસની સુવિધા ન હોવાના કારણે નાછૂટકે ખાનગી વાહનોમાં સફર કરવી પડે છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા જરૃરી
પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં નહીં આવતા અનેક મુશ્કેલીઓનો સામનો સ્થાનિકોને કરવો
પડે છે.ગ્રામ્ય વિસ્તારના ઘણા રૃટ ઉપર છેલ્લા ઘણા સમયથી બસની અવરજવરમાં કાપ મૂકી
દેવામાં આવ્યો હોય તે પ્રકારે ઘણા માર્ગો ઉપરથી આવન-જાવન બંધ થઈ ગઈ છે. બીજી તરફ ઘણા ગામોમાં પણ બસની સુવિધા માટે
ગ્રામજનોને વલખા મારવા પડે છે.સાદરા થી ચિલોડાના માર્ગ ઉપરથી લોકોની આવન-જાવન હોવા
છતાં તંત્ર દ્વારા મુસાફરોને સરળતા મળી શકે તે માટે બસ દોડાવવામાં આવતી નથી.અગાઉ આ
વિસ્તારમાં નિયમિત બસની સુવિધા મળી શકતી હતી.ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી ચિલોડા થી
સાદરા તરફ જતા માર્ગ ઉપર બસની યોગ્ય સુવિધા નહીં હોવાના કારણે અનેક તકલીફો
ગ્રામજનોને પડે છે.તો બીજી તરફ જાખોરા,
બોરીયા, દશેલા, શિહોલીમોટીના
માર્ગ ઉપર અગાઉ દિવસ દરમિયાન ઘણી બસ અવરજવર કરતી હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારના
લોકો પણ આવન-જાવન માટે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. તો બીજી તરફ સાદરામાં
શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે.લોકોની અવરજવર પણ મોટી સંખ્યામાં દિવસ દરમિયાન થતી
હોય છે.ત્યારે બસના અભાવે ના છૂટકે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ખાનગી વાહનોમાં
જોખમી મુસાફરી કરવાની નોબત આવી છે. અગાઉ જે પ્રકારે નિયમિત બસ સુવિધા ચાલતી હતી તે
પ્રકારે આ માર્ગ પર દોડાવવામાં આવે તે માટે સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્ર સમક્ષ
રજૂઆતો કરવા છતાં આ સુવિધા ઊભી કરવામાં આળસ દાખવવામાં આવતી હોય તે પ્રકારે કામગીરી
કરાતી નથી.