મેન્ટલ હોસ્પિટલની મહિલાને રઝળપાટ કરવાનો વારો આવ્યો
છ કલાક સુધી મહિલાને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં મોકલીને હેરાનગતિ
વડોદરા,મેન્ટલ હોસ્પિટલની મહિલા દર્દીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. છ કલાક સુધી મહિલાને એક થી બીજા વોર્ડમાં ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એમ.એલ.ઓ.ને જાણ થતા તેમણે મધ્યસ્થી કરી મહિલા દર્દીને વોર્ડમાં દાખલ કરાવી હતી.
કારેલીબાગની મેન્ટલ હોસ્પિટની મહિલાને હાથ પર ચાઠું પડતા તેને સારવાર માટે એટન્ડન્ટ સાથે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સવારે ૧૦ વાગ્યે મહિલા દર્દી સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં સર્જરી વિભાગમાં સારવાર કરાવ્યા પછી તેને મેડિસિન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી મહિલાને માનસિક રોગીના ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને મેડિસિન, સર્જરી અને ફરીથી મેડિસિન વિભાગમાં મોકલવામાં આવી હતી. બપોરે ચાર વાગ્યા સુધી વોર્ડના અધિકારી દ્વારા મહિલાને એક થી બીજા વોર્ડમાં રઝળપાટ કરાવવામાં આવી હતી. છેવટે મહિલા દર્દી સાથે મેન્ટલ હોસ્પિટલમાંથી આવેલા એટન્ડન્ટે એમ.એલ.ઓ.ને ફરિયાદ કરતા એમ.એલ.ઓ. દ્વારા વોર્ડ ઇન્ચાર્જની સાથે ચર્ચા કર્યા પછી મહિલાને મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી.