હેરિટેજ વિક: શિલ્પકાર કે.જી. સુબ્રહ્મણ્યમની શિલ્પો શુક્રવારી બજારમાંથી વડોદરાના તૃષાર રાણાને મળી

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
હેરિટેજ વિક: શિલ્પકાર કે.જી. સુબ્રહ્મણ્યમની શિલ્પો શુક્રવારી બજારમાંથી વડોદરાના તૃષાર રાણાને મળી 1 - image


વડોદરાના એન્જિનિયર યુવક તૃષાર રાણાએ શુક્રવારે બજારનું સદુપયોગ કરી અલભ્ય ચીજોનું મ્યુઝિયમ બનાવ્યું

વડોદરા, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

વણ જોઈતું નવ સંઘરવું એવો બોધ એક  એક જાણીતા કાવ્યમાં આપવામાં આવ્યો છે.ધાર્મિક ઉપદેશકો પણ ખપ પૂરતી જ વસ્તુઓ રાખવી અને સંગ્રહ નો લોભ ન કરવો એવો ઉપદેશ આપે છે.ઊંચા ભાવ મળે ત્યારે વેચીને વધુ નફો કમાવવા ઘણાં વેપારીઓ જીવન જરૂરી ચીજવસ્તુઓ ની સંગ્રહખોરી કરે ત્યારે સરકારે લાલ આંખ કરવી પડે છે.આમ,સંગ્રહખોરી ને સમાજમાં સારી ગણવામાં આવતી નથી.

પરંતુ વડોદરાના ઇજનેર તૃષાર રાણાએ બચપણ થી, જે કોઈ અવનવી વસ્તુ જોવા મળે એનો સંગ્રહ ખરવાનો એક શોખ પાળ્યો છે.તેમના આ શોખ થી આજે તો એક ખાનગી વ્યક્તિગત મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય બની ગયું છે.તેમના આ શોખ માટે એવું અવશ્ય કહી શકાય કે આ સંગ્રહખોરી તો સારી અને સમાજને કશું પ્રદાન કરનારી છે.     

તૃષારભાઈ આમ તો ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર સાધનોના ઉત્પાદન સાથે જોડાયેલા છે.જો કે તેમણે ચીજવસ્તુઓ ના સંગ્રહની આ હોબી પણ એટલી જ લગન થી વિકસાવી છે.

બચપણ માં એમના બાપુજી ની આંગળી પકડી તેઓ વડોદરાના પ્રખ્યાત શુક્રવારી બજારમાં જતાં.આ બજાર એવું છે કે તેમાં કલ્પના ના કરી હોય એવી ચીજવસ્તુઓ,કલાકૃતિઓ,સાધન સરંજામ જેવી અવનવી જણસો મળી જાય. સંગ્રાહકોને  આ બજાર ઘણું પ્રિય છે કારણ કે એ તેમના શોખને પોષે છે અને તેમના સંગ્રહમાં વિવિધતા ભરે છે.

અને તેમનો સંગ્રહનો આ શોખ એવો તો વિસ્તર્યો કે તેમણે દેશના જાણીતા જૂની ચીજવસ્તુઓના બજારો અને આર્ટ કલેક્ટર્સ દ્વારા યોજાતા ઓક્ષન એટલે કે હરજીઓ માં ભાગ લેવાનું શરૂ કર્યું.

હેરિટેજ વિક: શિલ્પકાર કે.જી. સુબ્રહ્મણ્યમની શિલ્પો શુક્રવારી બજારમાંથી વડોદરાના તૃષાર રાણાને મળી 2 - image

પરિણામે આજે એમની પાસે ૪૦૦ જેટલા ભાત ભાત ના કેમેરા, એક સમયે જેની બોલબાલા હતી અને આજે જે વિસરાઈ ગઈ છે એવી ૩ હજાર થી વધુ રેકોર્ડ અને કેસેટ્સ,૩૦૦ થી વધુ કાંચની શીશીઓ,૩૦૦ થી વધુ પતરા અને ધાતુના ડબ્બા,૮૦ થી વધુ બાળકોને પ્રિય એવી ત્રણ પૈંડા વાળી અને અન્ય સાયકલો અને પેડલ કાર,વિવિધ પ્રકારની સગડીઓ,દીવા અને વજન કાંટા અને જુદાં જુદાં કલાકારોએ બનાવેલા લાકડાના રમકડાં નો આકર્ષક અને અદભુત સંગ્રહ થયો છે.

અને તાજેતરમાં જ તેમને શુક્રવારી બજારમાં ભંગાર હાલતમાં લાકડાના રમકડાં મળી આવ્યા.તેને સાફ કરતા અને નવું રૂપ આપતાં એક અદભુત બાબત પ્રકાશમાં આવી.

આ રમકડાં ક્યારેક વડોદરા ને વિશ્વના કલા જગતમાં ખ્યાતિ અપાવનારા કે.જી. સુબ્રમણ્યન એટલે કે કલા વિશ્વના લાડકા કે.જી.સરનું સર્જન છે...!!!.

તેઓ વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટી માં ભરાતા કલા મેળાઓ માટે લાકડાના રમકડાં બનાવતા. એ પૈકીના આ રમકડાં હોવાનું અનુમાન છે.અને જો પોતાની મહામૂલી બચતો ખર્ચીને આવી અનુપમ કૃતિઓ ખરીદનારા અને સજવનારા તૃષારભાઈને તે હાથ લાગ્યા ન હોત તો કદાચ નાશ પામ્યા હોત.આમ તેમની હોબી કે.જી.સરની અમૂલ્ય યાદગાર સાચવવામાં નિમિત્ત બની છે.

તેમણે જાણીતા કલા નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને આ રમકડાં ને સાફ કર્યા છે,જરૂરી સુધારા વધારા કર્યા છે અને હવે તેને સુંદર રીતે પોતાના સંગ્રહમાં પ્રદર્શિત કરવા તૈયાર કરી રહ્યા છે.

આ ખર્ચાળ હોબી ની તેમને લગન લાગી છે જેના પગલે પચાસેક વર્ષ જૂની જણસો નવું સ્વરૂપ અને નવું જીવન પામી છે.ઉત્તમ વારસાને સાચવવા નો તેમનો આ શોખ સમાજ ને પ્રેરણા આપનારો છે.


Google NewsGoogle News