ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત : ૧૧ ને ઇજા
વરસતા વરસાદમાં બ્રેક બરાબર નહીં વાગતા લક્ઝરી બસ રિક્ષામાં અથડાઇ અને રિક્ષા આગળ ઉભેલી ટ્રકમાં ઘુસી ગઇ
વડોદરા,ચાંણોદથી વડતાલ જતા સુરતના શ્રદ્ધાળુઓની લક્ઝરી બસને ડભોઇ રોડ કપુરાઇ ચોકડી પાસે અકસ્માત નડતા ૧૧ લોકોને ઓછીવત્તી ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, સુરતના શ્રદ્ધાળુઓ ધાર્મિક પ્રવાસે યાત્રાધામ ચાંણોદ ખાતે આવ્યા હતા. આજે સવારે તેઓ ચાંણોદથી વડતાલ જતા હતા. તે દરમિયાન તેમની લક્ઝરી બસની આગળ જતા વાહને અચાનક બ્રેક મારતા લક્ઝરી બસના ચાલકે પણ બ્રેક મારી હતી. પરંતુ, લક્ઝરી બસ આગળ ઉભેલી રિક્ષામાં ધડાકાભેર અથડાઇ હતી. અને રિક્ષા આગળ ઉભેલી ટ્રકમાં અથડાઇ હતી. રિક્ષા ચાલક અને લક્ઝરી બસમાં બેસેલા મુસાફરોને ઇજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્ત લોકોમાં (૧) રાજેશ ગુણવંતભાઇ રાણા ( રહે. સાંઇ રચના સોસાયટી, એલ.પી.સવાણી રોડ, અડાલજ, સુરત) (૨) બળવંતભાઇ નટવરભાઇ રાણા (૩) મનોજ ભૂપેન્દ્રભાઇ રાણા (૪) સદ્દામહુસેન રશીદભાઇ શેખ (૫) જશવંતીબેન જશવંતભાઇ રાણા (૬) પ્રભાતભાઇ છગનભાઇ રાણા (૭) જેનીશભાઇ સતિષભાઇ રાણા (૮) આશાબેન સાંકરલાલ રાણા (૯) સાંકરભાઇ પરભુભાઇ રાણા (૧૦) સવિતાબેન દિનેશભાઇ રાણા તથા રિક્ષા ડ્રાઇવર શબ્બીર ગુલામહેદર શેખ ( રહે. નવાપુરા, અંસારી મહોલ્લો) નો સમાવેશ થાય છે.