માનગઢ ધામમાં ચાર રાજ્યના આદિવાસીઓ ઉમટયા ચાર રાજ્યોના ૪૯ જિલ્લાઓને જોડીને અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ
વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, અમે હિંદુ નથી તેવા મંચ પરથી થયેલા આહવાન
દાહોદ તા.૧૮ દેશના ૪ રાજ્યોના ૪૯ જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માગણીએ જોર પકડયું છે. આ માંગને લઈને ગુરુવારે બાંસવાડાના માનગઢ ધામમાં આયોજિત મહારેલીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો આદિવાસી સમાજના લોકો રાજસ્થાનના બાંસવાડામાં માનગઢ ધામ પહોંચ્યા હતા.
આ રેલીમાં ઘણા સાંસદો અને ધારાસભ્યોએ પણ ભાગ લીધો હતો. માનગઢ ધામ આદિવાસીઓનું તીર્થસ્થાન છે. રાજસ્થાન સરકારે ભીલ પ્રદેશની માંગને ફગાવી દીધા બાદ આયોજીત રેલીમાં ભારત આદિવાસી પાર્ટી (બાપ) સાંસદ રાજકુમાર રાઉતે કહ્યું હતું કે ભીલ રાજ્યની માંગ નવી નથી. બાપ આ માંગને જોરદાર રીતે ઉઠાવી રહ્યું છે. મેગા રેલી બાદ એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આ પ્રસ્તાવ સાથે મળશે.
ભીલ સમાજના સૌથી મોટા સંગઠન આદિવાસી પરિવાર સહિત ૩૫ સંસ્થાઓ દ્વારા આ મેગા રેલી બોલાવવામાં આવી હતી. આદિવાસી પરિવાર સંસ્થાના સ્થાપક સભ્ય મેનકા ડામોરે મંચ પરથી જણાવ્યું હતું કે આદિવાસી મહિલાઓએ પંડિતોની સલાહ ન માનવી જોઈએ. આદિવાસી પરિવારોમાં તેઓ સિંદૂર લગાવતા નથી કે મંગળસૂત્ર પહેરતા નથી. આદિવાસી સમાજની મહિલાઓ અને છોકરીઓએ શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. હવેથી બધા ઉપવાસ બંધ કરો. અમે હિંદુ નથી.
આ રેલીમાં આદિવાસી પરિવારના સ્થાપક ભંવરલાલ પરમારે જણાવ્યું હતું કે આ જ માનગઢમાં આપણા પૂર્વજોએ ૧૦૦-૨૫૦ વર્ષ પહેલાં આંદોલન શરૃ કર્યું હતું, અને ૧૫૦૦ લોકો માર્યા ગયા હતા. તેમનો શું વાંક હતો? હવે અમે ફરી આંદોલન શરૃ કર્યું છે. કોઈ માતાનો દીકરો આપણને રોકી શકશે નહીં. ભીલ પ્રદેશની માંગ ચોક્કસ સમયસર પૂરી થશે. તેની એક પ્રક્રિયા છે. આ આંદોલન આદિવાસી સમાજને જોડવાનું છે. ભીલ પ્રદેશ એ આપણા પૂર્વજોની અધૂરી ઈચ્છા છે.