Get The App

ગાંધીનગરમાં ૧૩ સપ્ટે.એ આદિવાસી અધિકાર દિન ઉજવાશે

કેવડિયામાં બે આદિવાસી યુવાનના મોતની સીબીઆઇ તપાસની માંગ

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
ગાંધીનગરમાં ૧૩ સપ્ટે.એ આદિવાસી અધિકાર દિન ઉજવાશે 1 - image

વડોદરા, આદિવાસી સમાજ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં વડોદરામાં આદિવાસી આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા, અને ૨૧ ઓગસ્ટે દલિત સમાજ દ્વારા ભારત બંધનું જે એલાન અપાયું છે તેને ટેકો જાહેર કર્યો હતો. જ્યારે ૧૩ સપ્ટેમ્બરે આદિવાસી અધિકાર દિનની ઉજવણી ગાંધીનગર ખાતે કરવા નક્કી કરવામાં આવ્યું હતું.

૨૧મીએ દલિત સમાજ દ્વારા ભારત બંધ એલાનને આદિવાસી સમાજનો ટેકો

આદિવાસી અધિકાર દિનની ઉજવણી માટે એક સમિતિનું ગઠન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં એસસી અને એસ.ટી.નો જે અનામત અંગેનો ચુકાદો આપવામાં આવ્યો છે તેનો પણ વિરોધ કર્યો હતો. દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૫ ટકા આદિવાસીઓ છે, જેના અનેક પ્રશ્નો છે. તાજેતરમાં ૬ તારીખે કેવડિયામાં આદિવાસી મ્યુઝિયમ ખાતે બે આદિવાસી યુવાનોને વિના કારણે બાંધી રાખી બેરહમી પૂર્વક માર મારતા બંનેના મૃત્યુ થયા હતા. મૃત્યુ પામેલા યુવાનોમાં જયેશ તડવી અને સંજય તડવીને સમાવેશ થાય છે.

મોડે મોડે પણ પોલીસ તંત્ર દ્વારા આ પ્રકરણમાં એક્શન લેવાની બાંયધરી આપી હતી, પરંતુ હજુ સુધી સત્તા મંડળના નોડલ અધિકારીનું નામ તેમજ મ્યુઝિયમ પ્રોજેક્ટના એજન્સીનું નામ એફઆઇઆરમાં દાખલ કરવામાં આવ્યું નથી. હજુ એફઆઇઆર ઓનલાઇન મૂકી નથી. 

તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. આ બનાવના વિરોધમાં આદિવાસીઓએ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પણ કરી ન હતી. તેમણે આ બનાવને માનવસર્જિત વધુ સમાન ગણાવ્યો હતો અને સમગ્ર બનાવની સીબીઆઇ પાસે તપાસની માંગ કરી છે, અને જે કોઇ કસૂરવાર નીકળે તેની સામે કડક પગલાં ભરવાની માંગણી કરી હતી.


Google NewsGoogle News