આર્ટસ ફેકલ્ટીમાં રાતોરાત ૧૨ જેટલા ઘટાદાર વૃક્ષોનો સફાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો વહીવટ છેલ્લા બે વર્ષમાં કથળી ગયો છે.કોઈ પણ સમસ્યા કે મુદ્દો હોય તો સત્તાધીશો હાથ ખંખેરી નાંખે છે.
નિમ્ન સ્તરના વહિવટનુ ઉદાહરણ આપતા એક કિસ્સામાં આર્ટસ ફેકલ્ટીમાં ૧૨ જેટલા ઘટાદાર વૃક્ષો રાતોરાત કાપી નાંખીને તેના લાકડા પણ વગે કરી દેવાયા છે અને સત્તાધીશો આ મુદ્દે ગોળગોળ જવાબો આપી રહ્યા છે.
આ વૃક્ષોને વિદ્યાર્થીઓએ જ ઉછેર્યા હતા.હાલમાં આર્ટસ ફેકલ્ટીના રિસ્ટોરેશનનુ કામ ચાલી રહ્યુ છે ત્યારે આજે સવારે ફેકલ્ટીમાં આવેલા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીમાં ઉગેલા ૧૨ જેટલા વૃક્ષો ગાયબ હોવાનુ જોઈને આઘાતની લાગણી અનુભવી હતી.વિદ્યાર્થીઓેને ખબર પડી હતી કે, રાતોરાત વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા છે.તેના બાકી રહેલા થડ પર માટી નાંખીને જમીન સમથળ કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓએ જ્યારે ડીનને રજૂઆત કરી તો ફેકલ્ટી ડીને પોતાને કશી ખબર જ નથી તેવુ રટણ કર્યુ હતુ.વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, ફેકલ્ટીમાં કામ કરી રહેલા કોનટ્રાક્ટરના માણસો, યુનિવર્સિટીના એન્જિનિયર સહિત તમામે હાથ અધ્ધર કરી નાંખ્યા હતા.વિદ્યાર્થીઓએ આક્રોશ સાથે કહ્ય ુહતુ કે, એક તરફ વડાપ્રધાન વૃક્ષો વાવવાનો સંદેશ આપે છે અને બીજી તરફ યુનિવર્સિટીમાંથી રાતોરાત ઘટાદાર વૃક્ષોનો સફાયો થઈ જાય છે.આટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવે અને સત્તાધીશો તેમજ સિક્યુરિટીને ખબર ના હોય તેવુ શક્ય જ નથી.એવુ લાગે છે કે, ફેકલ્ટી અને યુનિવર્સિટી સત્તાધીશો તેમજ સિક્યુરિટીની રહેમ નજર હેઠળ જ વૃક્ષો કાપવાનુ કૌભાંડ આચરવામાં આવ્યુ છે.