વડોદરાઃ કૈલાસ માનસરોવરની યાત્રાના નામે ઠગાઇ કરનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો,બીજા શહેરમાં પણ ઠગાઇના ગુના
વડોદરાઃ સયાજીગંજ વિસ્તારમાં ટ્રાવેલ ઓફિસ શરૃ કરી કેલાસ માનસરોવરની યાત્રાના બુકિંગના નામે મહિલા સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ઝડપી પાડયો છે.
કાલાઘોડા નજીક ગાર્ડન વ્યૂ કોમ્પ્લેક્સમાં ભારત હોલિડેઝ ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ટૂર ઓર્ગેનાઇઝર નામની ઓફિસ શરૃ કરનાર ટ્રાવેલ એજન્ટ કલ્પેશ બાબુલાલ પનારા (રહે.સરદાર નગર યોજના,નારાયણપુરા, અમદાવાદ હાલ રહે.સરદાર પટેલ હા.બોર્ડ, શાસ્ત્રીનગર,અમદાવાદ)એ મકરપુરાના લીલાબેન પાસે ફેબુ્રઆરી-૨૦૨૩માં કૈલાસ માનસરોવર યાત્રાના નામે બુકિંગ કરી રૃ.૧.૮૫લાખ પડાવ્યા હતા.
ત્યારબાદ ટૂરની તારીખ જતી રહી હોવા છતાં ટ્રાવેલ એજન્ટે તેમને માનસરોવર મોકલ્યા નહતા અને રૃપિયા પણ પરત કર્યા નહતા.જેથી મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ગુનામાં ફરાર ટ્રાવેલ એજન્ટ હાલમાં અમદાવાદના શાસ્ત્રી નગરમાં આશ્રય લેતો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડયો હતો. પોલીસના કહ્યા પ્રમાણે,કલ્પેશ પનારા સામે ્અમદાવાદના સેટેલાઇટ,નવરંગપુરા,સુરતના અડાજણ પોલીસ સ્ટેશન અને અંકલેશ્વરમાં સિટી પોલીસ સ્ટેશનમાં પણ ઠગાઇ અને વિશ્વાસઘાતના બીજા ચાર ગુના નોંધાયેલા હતા.
સુરતના ૨28પ્રવાસીઓને છોડી ટૂર મેનેજર અને રસોઇયા ગાયબ થઇ ગયા હતા
સુરતના ૨૮ પ્રવાસીઓને પણ ટ્રાવેલ એજન્ટ કલ્પેશ પનારા અને અન્ય ભાગીદારનો વરવો અનુભવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ,સુરતના અડાજણ ખાતે ટાઇમ સ્કવેરમાં ૨૮ પ્રવાસીઓ પાસે રૃ.૬.૮૧ લાખ ઊઘરાવી હિમાચલની ટૂર ઓર્ગેનાઇઝ કરનાર ધ સ્પાઇસ હોલિડેઝ ના સંચાલક કલ્પેશ પનારા અને અન્ય સાગરીત સામે ડિસેમ્બર-૨૦૧૮માં ફરિયાદ નોંધાઇ હતી.
જેમાં ટૂર ઓર્ગેનાઇઝરની બેદરકારીને કારણે રસોઇયા અને મેનેજર અધવચ્ચે ગાયબ થઇ જતાં પ્રવાસીઓને સ્વખર્ચે પરત આવવું પડયું હતું અને ત્યારે ઓફિસના સંચાલકો પણ લાપત્તા હતા.જેથી તેમણે ફરિયાદ નોંધાવી હતી.