હાઇડ્રોલિક સિસ્ટમ વાળા દારૃના ગોડાઉનના કેસમાં બુટલેગર સાથે સાંઠગાંઠ રાખનાર 4 પોલીસ કર્મીની બદલી
વડોદરાઃ નંદેસરીમાં હાઇડ્રોલિક સિસ્ટમવાળું દારૃનું ગોડાઉન પકડાવાના ચકચારી કેસમાં ચાર પોલીસ કર્મીઓની બુટલેગર સાથે સાંઠગાંઠ ખૂલતાં ચારેયની બદલી કરવામાં આવી છે.
નંદેસરી વિસ્તારમાં રામપુરા ગામે પીસીબીએ ચાર દિવસ પહેલાં દરોડો પાડી ભોંયરામાંથી રૃ.૧૪.૯૨ લાખનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો.બુટલેગર મહેશ ઉર્ફે ભુરીયાએ ફ્લોર પર બેસાડેલી ટાઇલ્સની કિનારીએ પતરાંની ચિપ્સ લગાવી હતી.બંને ટાઇલ્સ નીચે ચોરસ પ્લેટ હતી અને તેનું ચોરખાનું ખોલવા હાઇડ્રોલિક પંપનો ઉપયોગ કરવામાં આવતો હતો.આ પંપ બીજા રૃમમાં મુકેલો હોવાથી તેને ઓપરેટ કરીને ભોંયરું ખોલવામાં આવતું હતું.
ઉપરોક્ત બનાવમાં પોલીસ કમિશનરની સૂચના બાદ ગોરવાના પીઆઇ કે એન લાઠીયાને તપાસ સોંપવામાં આવી હતી.તેમણે મહેશ ઉર્ફે ભુરિયો પ્રવિણભાઇ ગોહિલને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લીધો હતો.જે દરમિયાન પોલીસને દારૃના સપ્લાયર સહિતની મહત્વની વિગતો મળી હતી.
ગોરવાના પીઆઇની તપાસ દરમિયાન બુટલેગરના મોબાઇલની કોલ્સ ડીટેલમાં કેટલાક પોલીસ કર્મીના નામો ખૂલ્યા હતા.જેથી તેમણે ઉપરી અધિકારીને રિપોર્ટ કર્યો હતો.બુટલેગર સાથે સાંઠગાંઠ રાખનાર ચાર કર્મીઓમાં જવાહરનગરના હેકો ભૂપેન્દ્ર સિંહ જસવંતસિંહ,નંદેસરીના હેકો ભાવેશ ચૌધરી,છાણીના હેકો હંસાભાઇ ચૌધરી અને એસીબી ગ્રામ્યના હેકો મહેન્દ્રસિંહ તળપદાનો સમાવેશ થાય છે.તેઓની હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી હતી.