વડોદરા શહેર પોલીસમાંથી ૧૨ પીઆઇની બદલી અને ૧૧ની બહારથી એન્ટ્રી
શહેરમાં ૩૬ પીએસઆઇની બદલી અને ૪૩ની એન્ટ્રી ઃ જિલ્લા અને રેલવેમાં પણ પીઆઇ તેમજ પીએસઆઇની બદલી
વડોદરા, તા.1 લોકસભા ચૂંટણી પહેલાં સરકારમાં બદલીની મોસમ ખીલી છે. પોલીસતંત્રમાં પણ મોટાપાયે બદલીનો દોર શરૃ થઇ ગયો છે. રાજ્યભરમાં પીઆઇ અને પીએસઆઇની બદલીના ઓર્ડરમાં વડોદરા શહેર, જિલ્લા અને રેલવેમાં ફરજ બજાવતા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાંથી કુલ ૧૨ પીઆઇની બદલી થઇ છે જેની સામે શહેરમાં ૧૧ પીઆઇની અન્ય જિલ્લામાંથી નિયુક્તિ થઇ છે. આ ઉપરાંત જિલ્લામાંથી એક પીઆઇ અને રેલવેમાંથી પણ એક પીઆઇની બદલીના હુકમ થયા છે. જ્યારે જિલ્લામાં બે પીઆઇ અને રેલવેમાં એક તેમજ પીટીએસમાં એક પીઆઇની બહારથી બદલી થઇ છે.
પીઆઇ ઉપરાંત પીએસઆઇની પણ મોટાપાયે બદલીના ઓર્ડરો થયા છે જેમાં વડોદરા શહેરમાંથી કુલ ૩૬ પીએસઆઇની અન્ય જિલ્લાઓમાં બદલી થઇ છે જેની સામે શહેરમાં બહારથી કુલ ૪૩ પીએસઆઇ આવ્યા છે. તેવી જ રીતે જિલ્લામાં લાંબા સમયથી ફરજ બજાવતા સાત પીએસઆઇની બદલી થઇ છે જ્યારે જિલ્લામાં પાંચ પીએસઆઇ આવ્યા છે. આ ઉપરાંત રેલવે પોલીસમાંથી પણ ત્રણ પીએસઆઇની બદલી અને બહારથી રેલવેમાં પાંચ પીએસઆઇની એન્ટ્રી થઇ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં કુલ ૨૩૨ પીઆઇ અને ૫૫૧ પીએસઆઇની બદલીના હુકમો કરવામાં આવ્યા હતાં. પોલીસખાતામાં પીઆઇ અને પીએસઆઇની બદલીની સાથે જ હવે પ્રમોશન પણ ટૂંક સમયમાં અપાશે તેવી ગણતરીઓ થવા લાગી છે.