રાજ્યની જમીન દફ્તર અને સિટિ સર્વે કચેરીઓમાં મોટાપાયે ફેરફાર

૬૫ સિનિયર સર્વેયરોને પ્રમોશન અપાયા અને ૨૫ ડીઆઇએલઆરની બદલીઓ કરાઇ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
રાજ્યની જમીન દફ્તર અને સિટિ સર્વે કચેરીઓમાં મોટાપાયે ફેરફાર 1 - image

વડોદરા, તા.3 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર કચેરીઓ તેમજ સિટિ સર્વે કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મોટાપાયે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર અધિકારીઓની પણ બદલીના હુકમો કરાયા છે.

સમગ્ર રાજ્યમાં આ પ્રકારે મોટાપાયે  હુકમો કરાયા હોય તેવું છેલ્લા જ્યારે ૧૦ વર્ષ પહેલાં રાજ્યમાં અલગ જિલ્લાઓ બન્યા ત્યારે થયું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં બઢતી અને  બદલીના હુકમો આજે મહેસૂલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સિનિયર સર્વેયર વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર વર્ગ-૨ તરીકે બઢતી મળી હોય તેવા ૬૫ હુકમો કરવામાં આવ્યા છે જ્યારે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અધિકારી તરીકે ફરજ બજાવતા ૨૫ અધિકારીઓની બદલીના હુકમો કરાયા છે.

આ હુકમોમાં વડોદરામાં જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર કચેરીના કે.બી. રોહીતની બદલી ગાંધીનગર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વડોદરામાં ફરજ બજાવતા ત્રણ સિનિયર સર્વેયર કક્ષાના અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બઢતી અને બદલીના હુકમો થવાના છે તેમ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું પરંતુ ક્યારે તેનો અમલ થશે તે નિશ્ચિત ન હતું. આજે મહેસૂલ વિભાગ દ્વારા હુકમો કરી દેવામાં આવ્યા ત્યારે પણ કોઇ અધિકારીને કલ્પના ન હતી કે આટલી મોટી સંખ્યામાં બઢતી અને બદલી થશે.




Google NewsGoogle News