મહી નદીના બ્રિજ પર અચાનક કામ શરૃ કરી દેતાં એક્સપ્રેસ હાઇવે પર છેલ્લા ચાર દિવસથી ટ્રાફિકજામની સમસ્યા
વાઇબ્રન્ટ સમિટ ટાણે જ એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતાં હજારો વાહનચાલકો હેરાન ઃ ૧૦થી ૧૫ કિ.મી. સુધી જામમાં અટવાતા લોકો
વડોદરા, તા.7 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મહી નદી પરના બ્રિજનું સમારકામ ચાલતું હોવાથી છેલ્લા ચાર દિવસથી હજારો વાહનચાલકો હેરાનપરેશાન થઇ રહ્યા છે. આજે રાત્રે ત્રણ કલાક સુધી ટ્રાફિકજામથી એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડયો હતો.
ઉલ્લેખનીય છે કે વડોદરાથી આશરે ૨૫ કિલોમીટર દૂર મહી નદી પર બ્રિજનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા અચાનક શરૃ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કોઇ સૂચના કે જાહેરાત કર્યા વગર જ કામ શરૃ કરી દઇ એક્સપ્રેસ હાઇવે પર વાહનોને ડાયવર્ઝન આપતા વડોદરાથી અમદાવાદ તરફ જતા રોડ પર ટ્રાફિકજામની સમસ્યા હવે રોજેરોજની થઇ ગઇ છે. આજે રાત્રે વડોદરાથી અમદાવાદ તરફ જતાં અથવા અમદાવાદથી વડોદરા તરફ આવતાં હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતાં.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં વડોદરાથી અમદાવાદ તરફના રોડ પર કામ ચાલી રહ્યું છે અને તેના કારણે એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોને હેરાનપરેશાન થવું પડે છે. છેલ્લા ચાર દિવસથી ચાલતાં કામના કારણે હાઇવે પરથી પસાર થતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા આગોતરું કોઇ આયોજન નહી કરવાના કારણે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. આજે રાત્રે ત્રણ કલાક સુધી વાહનચાલકો એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકજામમાં અટવાઇ ગયા હતાં.
ગઇકાલે પણ આ જ સ્થળે ટ્રાફિકજામના કારણે ૧૫ કિલોમીટર સુધી લાંબી લાઇનો લાગી હતી. મહત્વની બાબત એ છે કે એક્સપ્રેસ હાઇવે પર આ અંગે કોઇ સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. વાહનચાલકોને હેરાન કરવાના જ હોય તેમ તંત્રએ નક્કી કર્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં વાઇબ્રન્ટ સમિટના કારણે અમદાવાદ, ગાંધીનગર તરફ જતો ટ્રાફિક વધારે હોય છે અને તેવા સમયે જ એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ રહી છે.