જૂની કોઠી કચેરી ખાતે આડેધડ વાહન પાર્કિગથી ટ્રાફિક સમસ્યા
લોકો ગમે ત્યાં વાહન પાર્ક કરીને જરા રહે ઃ રોડ પર પણ વારંવાર ટ્રાફિકજામથી લોકો હેરાન પરેશાન
વડોદરા, તા.8 શહેરના કોઠી વિસ્તારમાં આવેલી જૂની કોઠી કચેરી ખાતેની કલેક્ટર ઓફિસ જ્યારે હતી ત્યારે ટ્રાફિક સમસ્યાનો મોટો પ્રશ્ન રોજ સર્જાતો હતો. કલેક્ટર ઓફિસ દિવાળીપુરા ખાતે સ્થળાંતર થયા બાદ થોડા દિવસો ટ્રાફિક સમસ્યા હળવી રહી હતી પરંતુ કલેક્ટર કચેરીના સ્થાને બે એસડીએમ અને એક મામલતદાર કચેરી શરૃ થતાં જ અગાઉ કરતાં પણ હવે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની ગઇ છે.
ઉલ્લેખનીય છે કે જૂની કોઠી કચેરી ખાતે કલેક્ટર ઓફિસ જ્યારે ચાલુ હતી ત્યારે કમ્પાઉન્ડની અંદર તેમજ બહાર વાહનોના આડેધડ પાર્કિગના કારણે લોકો હેરાન પરેશાન થઇ જતા હતાં. કમ્પાઉન્ડમાં જો કોઇએ આગળ ફોર વ્હિલ પાર્ક કરી દીધું હોય તો પાછળની ગાડી બહાર કાઢવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હતી. અથવા તો કોઇ અરજદાર તેમજ અન્ય લોકો જૂની કોઠી કચેરીથી દૂર પોતાનું વાહન પાર્ક કરીને ચાલતા ચાલતાં આવવાનું પસંદ કરતાં હતાં. રજાના દિવસો છોડીને જૂની કોઠી કચેરીમાં તેમજ બહાર યોગ્ય પાર્કિગ વ્યવસ્થાના અભાવે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાતા હતાં.
બે મહિના પહેલાં કલેક્ટર ઓફિસ દિવાળીપુરા ખાતે શિફ્ટ થયા બાદ ટ્રાફિક સમસ્યા થોડી ઓછી થઇ હતી પરંતુ બાદમાં જૂની કલેક્ટર કચેરી ખાતે નર્મદાભવનથી શહેર અને ગ્રામ્ય પ્રાંત કચેરીઓ અને ગ્રામ્ય મામલતદાર કચેરી ખસેડાતા જ ફરી ટ્રાફિક સમસ્યા સર્જાવા માંડી છે. આ બંને કચેરીમાં કેસો ચાલતા હોવાથી અનેક લોકો આવતા હોય છે તેમજ અશાંતધારાની મંજૂરી માટે પણ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી અનેક વાહનો કમ્પાઉન્ડની અંદર તેમજ બહાર પણ પાર્ક થતાં ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની ગઇ છે.
યોગ્ય વ્યવસ્થાના અભાવે તેમજ ટ્રાફિકનું સંચાલન કરી શકે તેવો કોઇ જવાન નહી હોવાથી ગમે ત્યાં લોકો પોતાના વાહનો પાર્ક કરતા હોય છે. કેટલીક વખત તો અધિકારીઓના વાહનોને અવરજવર માટે મુશ્કેલી પડતી હોય છે અથવા વાહનો મૂકવા માટે પણ જગ્યા શોધવી પડે છે. કોઠી કચેરી બહાર મોટી સંખ્યામાં દબાણો ઉપરાંત આડેધડ રોડ પર વાહન પાર્કિગના કારણે રોડ પરથી પસાર થવું પણ અઘરું થઇ ગયું છે. ટ્રાફિક પોલીસના સંચાલનના અભાવે કેટલીક વખત વાહનોને નુકસાન પણ થતા હોય છે તેમજ અકસ્માત પણ થાય છે.
જૂની કોઠી કચેરીમાં ખખડધજ સરકારી વાહનોનો ખડકલો
જૂની કોઠી કચેરી અને કુબેરભવન વચ્ચે પાર્કિગ માટે મોટી જગ્યા છે પરંતુ મોટાભાગની જગ્યા પર ખખડધજ થઇ ગયેલા સરકારી વાહનોનો ખડકલો હોવાથી અન્ય વાહનોને પાર્ક માટે જગ્યા મળતી નથી. વર્ષોથી સરકારી વાહનો પડી રહેતા હોવા છતાં તેને ત્યાંથી હટાવાતા નથી. વિવિધ સરકારી કચેરીઓના લાંબા સમયથી પડી રહેલાં આ વાહનોનો નિકાલ કરવામાં આવતો જ નથી અને પાર્કિગ માટેની જગ્યા રોકી રાખે છે.
પાર્કિગનું સ્થળ કચરાપેટી બન્યું ઃ દારૃની ખાલી બોટલો લોકો નાંખે છે
જૂની કોઠી કચેરી અને કુબેર ભવન વચ્ચેના એક ભાગમાં અગાઉ ટુ વ્હિલર પાર્ક માટેની સુવિદ્યા ઊભી કરાઇ હતી પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિયમિત સફાઇ નહી થતી હોવાથી આ સ્થળ ઉકરડો બની ગયું છે. કચરાપેટી બની ગયેલા આ સ્થળે દારૃની બોટલો પણ જોવા મળતી હોય છે. જો તે પેસેજને સાફ કરી ખુલ્લો મૂકવામાં આવે તો અનેક વાહનો પાર્ક થઇ શકે તેમ છે.