ટ્રાફિક પોલીસ હવે એ.સી. હેલમેટ પહેરીને ફરજ બજાવશે
અગાઉ અમદાવાદમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો : વડોદરામાં સૌ પ્રથમ વખત
વડોદરા,ઉનાળામાં ટ્રાફિક પોલીસ હવે એ.સી. હેલમેટ પહેરીને ફરજ બજાવશે. હાલમાં વડોદરા શહેર પોલીસ પાસે ૧૨૫ એ.સી.હેલમેટ છે. બેટરી ઓપરેટેડ એ.સી. હેલમેટના કારણે તાપમાં ફરજ બજાવતા સમયે શરીરનું તાપમાન જળવાઇ રહેશે.
જાહેર માર્ગ પર ફરજ ધોમધખતા તાપમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનો માટે એ.સી. હેલમેટ રાહતરૃપ બની રહેશે. આ અંગે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે જણાવ્યું હતું કે, જે રીતે ઇસીજી કરવામાં આવે છે. તે રીતે માથાના અમુક પોઇન્ટ પર કેબલ રહેશે. જેના કારણે આખા શરીરનું તાપમાન જળવાઇ રહેશે. સામાન્ય રીતે ૨૭ થી ૨૮ ડિગ્રી તાપમાન જળવાઇ રહેશે. તેમજ જો હેલમેટનું તાપમાન વધારે નીચું જશે તો તેને એડજેસ્ટ કરી શકાશે. અગાઉ અમદાવાદમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. વડોદરામાં સૌ પ્રથમ એ.સી. હેલમેટનો ઉપયોગ કરવામાં આવશે.