સ્પેનના વડાપ્રધાનના બંદોબસ્તના રિહર્સલને પગલે ઠેરઠેર ટ્રાફિકજામઃ દિવાળીના દિવસોમાં રૂટ બદલાતાં લોકો પરેશાન
વડોદરાઃ વડોદરામાં આવતીકાલે સ્પેનના વડાપ્રધાનનું આગમન થવાનું હોવાથી આજે સાંજે બંદોબસ્તનું રિહર્સલ કરાતાં અનેક સ્થળોએ વાહનચાલકો અટવાયા હતા. દિવાળીના દિવસો પહેલાં રૃટ બદલાતાં લોકો પરેશાન થશે.જેથી સોશ્યલ મીડિયામાં બદલાયેલા રૃટના મેસેજો વાયરલ થઇ રહ્યા છે.
વડોદરામાં ટાટા એરક્રાફ્ટના કાર્યક્રમમાં તા.૨૭મીએ રાતે સ્પેનના વડાપ્રધાન અને તા.૨૮મીએ ભારતના વડાપ્રધાન વડોદરા આવનાર હોવાથી શહેર પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ કમિશનર દ્વારા રૃટ પર નોપાર્કિંગ તેમજ ક્યા રૃટ બદલવામાં આવ્યા છે તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
આવતીકાલે મોડીસાંજે સ્પેનના વડાપ્રધાન આવનાર હોવાથી આજે બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.જે દરમિયાન હરણી એરપોર્ટ થી પશ્રિમ વિસ્તારની ખાનગી હોટલ સુધીના રૃટ પર અનેક સ્થળોએ ટ્રાફિકમાં લોકો ૧૫ થી ૨૦ મિનિટ સુધી અટવાયા હતા.આ રૃટ સિવાયના બીજા પણ કેટલાક વિસ્તારોમાં દિવાળીની ખરીદીને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ હતી.
આવી જ રીતે તા.૨૮મીએ પણ રૃટ બદલાવમાં આવ્યા હોવાથી દિવાળીના છેલ્લા દિવસોમાં વેપારીઓ તેમજ ખરીદી માટે નીકળનારા લોકોને હેરાન થવાનો વખત આવશે.