રસ્તા પર ખાડાઓના કારણે જામ્બુઆ અને પોર બ્રિજ પર રોજ કલાકો સુધી ટ્રાફિક જામ
વડોદરાઃ હાલમાં ચાલી રહેલા ચોમાસામાં વડોદરા શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે.શહેરની સાથે સાથે વડોદરાની આસપાસના હાઈવે પર પણ મોટા મોટા ખાડા પડી ગયા છે.
વડોદરા નજીક જામ્બુવા બ્રિજ અને પોર બ્રિજ પર વરસાદના કારણે પડેલા ખાડાના કારણે છેલ્લા ૨૦ દિવસથી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.બંને બ્રિજ પર રોજ ચાર થી પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.જેના કારણે વાહન ચાલકોનો સમય અને કરોડો રુપિયાનુ ઈંધણ પણ બરબાદ થઈ રહ્યું છે.
રોજ સવારે અને સાંજે પીક અવર્સમાં અહીંયા બંને તરફ વાહનોની કતારો લાગે છે.આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકો પણ તેના કારણે અગવડ ભોગવી રહ્યા છે.આવુ પહેલી વખત નથી થયું.દરેક ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોવાનુ સ્થાનિક સામાજિક કાર્યકર ધર્મેેશભાઈ શર્માનું કહેવું છે.તેમણે આ મુદ્દે ગત વર્ષે સાંસદને રજૂઆત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં પણ મેં આ વખતે પત્ર લખીને રજૂઆત કરી છે.બ્રિજ પર ખાડા પડી ગયા છે અને સાથે સાથે તેને પહોળો કરવાની પણ જરુર છે.હવે હું સાંસદને આ મુદ્દે ફરી રજૂઆત કરવાનો છું.
કિશનવાડીના ગધેડા માર્કેટ ચાર રસ્તા પર
તંત્રે ટ્રાફિક સિગ્નલ તો લગાવી દીધા પણ શાક માર્કેટ ઠેરનું ઠેર
લોકો પાસે સાંજે ૬ વાગ્યા બાદ અવર જવર કરવા ચારની જગ્યાએ ત્રણ જ રસ્તા ઉપલબ્ધ હોય છે
વડોદરા,રવિવાર
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારના ગધેડા માર્કેટ ચાર રસ્તા ટ્રાફિક જામનુ હોટ સ્પોટ મનાય છે.ખાસ કરીને સાંજના સમયે અહીંયા ટ્રાફિક જામના કારણે હજારો વાહન ચાલકો હેરાન થાય છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રે ટ્રાફિક સિગ્નલ તો લગાડી દીધા છે.જોકે આ ઉપાય પણ વડોદરાના લોકોની મશ્કરી સમાન છે.કારણકે ટ્રાફિક જામ પાછળનુ મુખ્ય કારણ રસ્તા પર ભરાતું શાક માર્કેટ છે અને તેને લઈને તંત્ર નિર્ણય કરી શકતું નથી.
હરણી વારસિયા રિંગ રોડ પરથી શહેરના પૂર્વ વિસ્તારમાં જવા માટેના આ રસ્તા પર ખાનગી કંપનીઓની સેંકડો લક્ઝરી બસોની આખો દિવસ અવર જવર રહેતી હોય છે.બીજી તરફ સાંજે પાંચ વાગ્યા બાદ ચાર રસ્તા પૈકીનો એક રસ્તો શાક માર્કેટમાં ફેરવાઈ જાય છે.આમ આ રસ્તો અવર જવર માટે બંધ થઈ જાય છે.
તંત્રે ટ્રાફિક સિગ્નલ તો લગાડી દીધા જ છે પરંતુ શાક માર્કેટ તો ત્યાં જ હોવાથી વાહન ચાલકો માટે તો ત્રણ જ રસ્તા અવર જવર કરવા માટે ઉપલબ્ધ છે.