કિશનવાડીના ગધેડા માર્કેટ ચાર રસ્તા પર રોજ સાંજે ટ્રાફિક જામની સમસ્યા
symbolic image |
ગધેડા માર્કેટ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં સાંજે સાત વાગ્યાની આસપાસ ટ્રાફિક જામનો જાણે રોજનો ક્રમ થઈ ગયો છે.આ ચાર રસ્તાની એક તરફનો રસ્તો શાકભાજીના પથારાવાળા રોકીને બેસી જાય છે.તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે પણ આ જગ્યાની પાછળ જ કચરાનુ ડમ્પિંગ યાર્ડ હોવાથી અસહ્ય દુર્ગધના કારણે શાકભાજીના વેપારીઓ ત્યાં બેસવા તૈયાર નથી થતા અને ગ્રાહકો પણ ત્યાં જવા તૈયાર નથી.
આમ એક તરફનો આખો રસ્તો વાહનોની અવર જવર માટે ઉપલબ્ધ નથી હતો.બીજી તરફ આ સમયગાળા દરમિયાન કંપનીઓએ ભાડે રાખેલી લકઝરી બસો ઉપરા છાપરી પસાર થાય છે.સાંજે નોકરી ધંધેથી પરત ફરતા લોકો હરણી-વારસિયા રિંગ રોડ થઈને આજવા રોડ કે વાઘોડિયા રોડ જવા માટે ગધેડા માર્કેટ ચાર રસ્તા પરથી જ પસાર થતા હોય છે.
ચાર રસ્તા હોવા છતા અહીંયા ટ્રાફિક સિગ્નલ પણ નથી.રોજે રોજ ચોક્કસ સમયે ટ્રાફિક જામ થતો હોવાનુ પોલીસને પણ ખબર છે.આમ છતા અહીંયા ટ્રાફિક પોઈન્ટ પણ મુકવામાં આવ્યો નથી.બીજા ચાર રસ્તાઓ પર ટ્રાફિક બ્રિગેડના જવાનો તૈનાત હોય છે.જ્યારે અહીંયા ટ્રાફિક જામમાં લોકો ફસાઈ જતા હોવા છતા એક પણ જવાનને તંત્ર તૈનાત નથી કરી રહ્યુ.લોકો હેરાન પરેશાન થતા હોવા છતા ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્રે પ્રયાસ સુધ્ધા નથી કર્યો.જે દર્શાવે છે કે, જાડી ચામડીના શાસકોને પ્રજાની સમસ્યાઓની કોઈ પરવા નથી.