વડોદરામાં વુડા લાયન સર્કલ પાસે સિગ્નલમાં વધુ સમય સ્ટોપેજ રાખતા ટ્રાફિક જામ : વાહન ચાલકો મુશ્કેલીમાં
image : Freepik
Vadodara Traffic Signal : વડોદરા શહેરના વુડા સર્કલ પાસે વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યાનો નિવેડો આવી રહ્યો નથી. છેલ્લા ઘણા સમયથી અહીં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરાતાની સાથે જ સર્કલ પર ખૂબ જ ટ્રાફિકનો જમાવડો થઈ જાય છે. ખાસ કરીને વીઆઇપી રોડ અને ફતેગંજ તરફ જવાના બંન્ને માર્ગ પર વાહનોની લાંબી કરતાં લાગતા બે કે તેથી વધુ વાર ગ્રીન સિગ્નલ થયા બાદ વાહન ચાલકો સર્કલ પાર કરી શકે છે. ત્યારે ટ્રાફિક સિગ્નલે સમસ્યા વધારી હોય તેવું વાહન ચાલકોનું માનવું છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વુડા સર્કલ ખાતે ટ્રાફિકની સમસ્યા ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છે. શહેરમાં વધતા વાહનો અને પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા મોટેભાગે વાહન ચાલકો અમિત નગર, ફતેગંજ, શાસ્ત્રી બ્રિજ અને અટલ બ્રિજના માર્ગનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. વળી બહારગામથી એક્સપ્રેસ હાઈવે થઈ શહેરમાં આવતા વાહન ચાલકો પણ અમિત નગરથી પ્રવેશ મેળવી પશ્ચિમ વિસ્તાર કે ઉત્તર વિસ્તારના ભાગમાં જવા વુડા સર્કલ થઈને પસાર થવાનો આગ્રહ રાખતા હોય છે. જેના કારણે શહેરના વ્યસ્ત સર્કલો પૈકી વુડા સર્કલ એક બની ગયું છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં લેતા અગાઉ વુડા સર્કલને નાનું કરવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં વુડા સર્કલ પર ટ્રાફિકના પ્રશ્નોનું નિવારણ આવી રહ્યું નથી. થોડા સમય પૂર્વે વુડા સર્કલ પર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા. જે કાર્યરત કરાયાના થોડા જ દિવસોમાં બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે હાલ ટ્રાફિક સિગ્નલ પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે વુડા સર્કલ પર ટ્રાફિકનો પ્રશ્ન ફરી એકવાર પેચીદો બની ગયો છે.
પિક અવર્સમાં ફતેગંજ બાજુ જતા વાહનોની કારેલીબાગ વાઘેશ્વરી સોસાયટી સુધી કતાર જોવા મળતી હોય છે. તો ફતેગંજથી વીઆઈપી રોડ જતા વાહનોની કતાર દુર્ગા મંદિર (ઈએમઈ) સર્કલ સુધી લાઈનો થઈ જતી હોય છે. આ પરિસ્થિતિમાં બંને તરફના માર્ગના વાહન વ્યવહાર માટે સિગ્નલ પર સમય મર્યાદા વધારવામાં આવે તો લોકોની મુશ્કેલીમાં મહદ રાહત થઈ શકે તેમ છે.
મંગલ પાંડે તરફનો રોડ પહોળો કરવાની તાતી જરૂરિયાત
વુડા સર્કલ પાસે વધતા ટ્રાફિકમાં જે લોકો સમા તરફથી મંગલ પાંડે થઈ આગળ જવા માંગતા હોય છે તેઓને આર્કોન અભયથી વુડા સર્કલ સુધી રસ્તો ખૂબ સાંકડો થઈ જાય છે. અહીં ખાનગી ટ્યુશન ક્લાસ હોસ્પિટલો અને શોરૂમ આવેલા છે. કૉમ્પ્લેક્સની બહારના ફૂટપાથ દૂર કરી રસ્તો પહોળો કરવામાં આવે તો જે લોકોને વીઆઈપી રોડ તરફ જવું છે તેઓએ રેડ સિગ્નલમાં ઊભા રહેવાની જરૂરિયાત નથી. તેથી તેઓનો સમયનો બચવા થવા સાથે ટ્રાફિકની લાઇન અહીં હળવી શકે તેમ છે.
જરૂરિયાત પ્રમાણે સિગ્નલના સમયમાં ફેરફાર કરાશે : ટ્રાફિક એસીપી
વુડા સર્કલ પાસે વધતી ટ્રાફિકની સમસ્યા અંગે શહેર ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, વુડા સર્કલ પાસે જો કોઈ એક ચોક્કસ માર્ગ તરફ જવા વાહનોની લાંબી લાઈન લાગે છે તો અમે અહીં તપાસ કરાવી ટ્રાફિક સિગ્નલના સમયમાં ફેરફાર કરીશું અને જે ભાગમાં ટ્રાફિકનું ભારણ વધુ જણાય છે ત્યાં ગ્રીન સિગ્નલનો સમય વધારવામાં આવશે. શહેરના અન્ય એકાદ બે સર્કલમાં પણ તે પ્રમાણેના ટ્રાફિક સિગ્નલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.