પલાસવાડા ફાટક પર બૂમ બેરિકેડ જામ થતા સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામ
પોણો કલાક સુધી ફાટકની બંને બાજુ સાત કિ.મી. લાંબી લાઇનો ઃ ફાટક પર વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા
વડોદરા, તા.1 વડોદરા-ડભોઇ સ્ટેટ હાઇવે પર આવેલ પલાસવાડા રેલવે ફાટકનો એક ગેટ રેલવે તંત્રની બેદરકારીના કારણે જામ થઇ જતાં ફાટકની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી. સાંજના સમયે પોણા કલાક સુધી ટ્રાફિકજામમાં મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાઇ ગયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે પલાસવાડા રેલવે ફાટક પાસેથી સાંજે એક ટ્રેન પસાર થવાની હોવાથી બુમ બેરિકેડ બંધ કરવામાં આવેલ. ટ્રેન પસાર થઇ ગયા બાદ જ્યારે રેલવે કર્મચારી દ્વારા આ બેરિકેડને ખુલ્લો કરવામાં આવ્યો ત્યારે એક તરફનો બેરિકેડ ઊંચો થઇ ગયો હતો પરંતુ બીજી બાજુનો બેરિકેડ ઊંચો ના થતાં ફાટકની બંને બાજુ રાહ જોઇને ઊભેલા સંખ્યાબંધ વાહનો આગળ જઇ ના શકતાં અટવાઇ ગયા હતાં.
ફાટક પર હાજર કર્મચારીએ પ્રયત્ન કરવા છતાં બેરિકેડ ઊંચો નહી થતાં ફાટકની બંને બાજુ ટ્રાફિકની લાંબી લાઇનો વધવા લાગી હતી. ફાટકની ડભોઇ તેમજ વડોદરા તરફ સાત કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી હતી જેના પગલે સાંજના સુમારે ડભોઇ તરફથી વડોદરા અને વડોદરાથી ડભોઇ તરફ જતાં સંખ્યાબંધ વાહનોને રેલવેની બેદરકારીના કારણે હેરાન થવું પડયું હતું. લગભગ પોણો કલાક સુધી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો અકળાઇ ગયા હતા અને કેટલાંક વાહનોએ ભીલાપુરથી નર્મદા કેનાલથી મોસમપુરા, કુઢેલાવાળો ટૂંકો રસ્તો અપનાવતા કેનાલવાળા રોડ પર પણ ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ હતી જો કે મોટા વાહનો તો સ્ટેટ હાઇવે પર જ અટવાઇ ગયા હતાં.
રેલવેના કર્મચારી દ્વારા તંત્રને જાણ કરતા પ્રતાપનગરથી રેલવે કર્મચારીઓ પોણા કલાક બાદ પલાસવાડા ફાટક પર પહોંચ્યા હતા અને કામગીરી કરી બેરિકેડને ઊંચો કરતા આખરે વાહનવ્યવહાર પુનઃ શરૃ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ ફાટક પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોય છે છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી. ટ્રાફિકજામના પગલે જિલ્લા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.