એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા ઃ રાત્રે વાહનોની લાંબી કતારો
મહી નદી પાસે એમ્બ્યુલન્સ, ક્રેન અને પેટ્રોલિંગ ગાડી મૂકી રાખવી પડે છે ઃ ટ્રાફિકજામમાં અટવાતા વાહનચાલકો
વડોદરા, તા.8 વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર મહી નદી પરના બ્રિજનું સમારકામ ચાલું કરતાં જ વાહનચાલકોને હેરાનગતિ શરૃ થઇ ગઇ છે. કોઇપણ જાતની જાહેરાત કર્યા વગર જ હાઇવે પર ડાયવર્ઝનના કારણે ટ્રાફિકજામના કારણે કલાકો સુધી વાહનચાલકો હાઇવે પર અટવાઇ રહ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવેના રુટ પર મહી નદી પરના બ્રિજનું સમારકામ નેશનલ હાઇવે ઓથોરિટિ દ્વારા કોઇપણ પ્રકારની સૂચના આપ્યા વગર જ શરૃ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા એક્સપ્રેસ હાઇવે પર વાહનોને ડાયવર્ઝન આપતા વડોદરાથી અમદાવાદ તરફ જતા રોડ પર ટ્રાફિકજામની સમસ્યા હવે રોજેરોજની થઇ ગઇ છે. આજે આખો દિવસ સામાન્ય ટ્રાફિકજામ બાદ રાત્રે ફરીથી ટ્રાફિકજામમાં હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતાં.
છેલ્લા પાંચ દિવસથી ચાલતાં કામના કારણે હાઇવે પરથી પસાર થતાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા આગોતરું કોઇ આયોજન નહી કરવાના કારણે વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. એક્સપ્રેસ હાઇવે પર હજી સુધી કોઇ સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે જે સ્થળે ડાયવર્ઝન આપ્યું છે ત્યાં માત્ર ૩૦ મીટરનો કટ આપ્યો છે જ્યારે આ સ્થળે ૪૫ મીટર કટની જરૃરિયાત રહે છે. જ્યારે કોઇ મોટું કન્ટેનર ત્યાં આવે ત્યારે ડાયવર્ઝનથી વળાંક લઇને આગળ જવું મુશ્કેલભર્યું રહે છે અને ટ્રાફિકજામ સર્જાય છે. આ સ્થળે હાઇવે ઓથોરિટિ દ્વારા હવે એમ્બ્યુલન્સ, ક્રેન તેમજ પેટ્રોલિંગ ગાડીને ફરજિયાત મૂકી રાખવી પડે છે.