ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન માંડી વાળ્યું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ વધુ એક પરંપરાનો ભંગ કરીને યુનિવર્સિટીના પદવીદાન સમારોહ પહેલા યોજાતા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માન સમારોહનુ આયોજન માંડી વાળ્યુ છે.
છેલ્લા દસેક વર્ષથી આ પરંપરા શરુ કરવામાં આવી હતી.જેના ભાગરુપે અલગ અલગ ફેકલ્ટીમાં ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહના એક-બે દિવસ પહેલા વાઈસ ચાન્સેલરના બંગલા પર આમંત્રિત કરાતા હતા અને તેમનુ સન્માન કરાતુ હતુ.સાથે સાથે તેમને યુનિવર્સિટીનો આભાર વ્યક્ત કરવા માટે કે પછી સૂચન કરવા માટે તક આપવામાં આવતી હતી.
જોકે આ પરંપરાને પણ હવે બાજુ પર મુકી દેેવામાં આવી છે.યુનિવર્સિટીનો ૭૨મો પદવીદાન સમારોહ રવિવારે યોજાવા જઈ રહ્યો છે અને તેની આડે એક જ દિવસ બાકી છે ત્યારે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માન સમારોહના આયોજનની કોઈ હિલચાલ યુનિવર્સિટી સત્તાધીશોએ કરી નથી એટલે આ સમારોહ નહીં યોજાય તે નક્કી થઈ ગયુ છે.યુનિવર્સિટીના બદલાતા માહોલમાં હવે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનુ મહત્વ ઘટી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે.
ગત વર્ષે પણ સત્તાધીશો મન કમને આ સન્માન સમારોહ યોજવાના નામે અન્ય એક કાર્યક્રમમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને જાણે ખુરશીઓ ભરવાની હોય તેમ બેસાડી દીધા હતા.આ બાબતની ભારે ટીકા થઈ હતી અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓએ બાદમાં પોતાનો આક્રોશ પણ વોટસએપ ગુ્રપના માધ્યમથી વ્યક્ત કરતા સત્તાધીશોનો ફજેતો થયો હતો.