વડોદરાની દાંડિયા બજારમાં રામ વે પ્લાઝામાં વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા વેપારીઓને હાલાકી
image : Freepik
Power Outrage Vadodara : વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામ વે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઇબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન અપાતા નથી. જેથી કોમ્પલેક્ષના 50 જેટલા વેપારીઓએ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અસરગ્રસ્ત વેપારીઓએ જીઇબી તંત્ર વિરુદ્ધ "હાય... હાય"ના સુત્રો પોકાર્યા હતા.
શ્રી રામ વે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જીનીયર, મધ્ય ગુજરાત વીજ કંપની લી, દાંડીયા બજાર સબ ડીવીઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે, રામ-વે પ્લાઝા ખાતે તા.17/05/2024નાં રોજ મીટર રૂમમાં આગ લાગી હતી. અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગવાના બનાવો બનેલ છે. જેની પાછળનું કારણ કેપેસીટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગનાં બનાવો બનેલ છે. રામ-વે પ્લાઝાનાં રેસીડન્સ (ફલેટ માલીકો)નાં વિધુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવો બનેલ છે અને આ કારણે અમારા દુકાનો/ઓફીસો/દવાખાનાના માલીકોનાં મીટરો પણ મીટર રૂમમાં હોવાને કારણે અમો દુકાન માલીકોને પણ સહન કરવાનો વારો આવે છે. જેથી અમો દુકાનો/ઓફીસો/દવાખાના માલીકોને વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો/ઓફીસો/દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે. મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાને લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે. અમો વીજળી આવવાની રાહ જોવી પડે છે. અમારા તમામ દુકાનો/ઓફીસો/દવાખાનાનાં માલીકોની નમ્ર અરજ/અપીલ છે કે, અમોને મીટર રૂમને બદલે અમારા દુકાન પાસે અથવા તો દુકાનની આસપાસ જયાં જગ્યા હોય તો ત્યાં અમોને અલગથી મીટરની ફાળવણી કરી આપો. વેપારી મંડળ આપને જગ્યા બાબતની માહીતી આપવા તૈયાર છીએ અને અમોને મીટર રૂમમાં મીટર ન બેસાડવા નમ્ર અરજ છે. જેથી અમારા વેપાર ધંધાને મુશ્કેલી ન પડે. વેપારીઓ તમોને આ બાબતે મીટર ક્યાં બેસડાવા? તે બાબતે માહીતી આપવા તૈયાર છીએ. અમો વેપારી મંડળની નમ્ર અરજ વિનંતિ છે કે, અમોને મીટર રૂમમાંથી અમારા મીટર અલગ કરી આપવા વિનંતિ છે. હાલ જ્યાં મીટર છે ત્યાં વેન્ટિલેટરની કોઈ સુવિધા નથી જેના કારણે વારંવાર આવી દુર્ઘટના બની રહી છે.