સ્વચ્છતા રાખોના બોર્ડ પાસે જ ખંડેરાવ માર્કેટના વેપારીઓ કચરાના ઢગલા કરે છે
વડોદરા, તા. 02 જાન્યુઆરી 2024 મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યાં ઓફિસ આવેલી છે તેની પાછળના ભાગે શાકમાર્કેટ ના દરવાજાની બહાર જ જ્યાં સ્વચ્છતા રાખો નું સૂત્ર લખેલું છે તે દીવાલની પાસે જ રોજબરોજ ગંદકીના ઢગલા થતા હોય છે કોર્પોરેશનનું તંત્ર સફાઈ કરે છે પરંતુ ફરી પાછી પરિસ્થિતિ "જેસે થે"થઈ જાય છે.
વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશ માટે ચાર ઝોનમાં ચાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેમાં અનેક વિસ્તારોમાં કચરાના ઓપન સ્પોટ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના તમામ વિસ્તારોમાંથી કચરો ઉઠાવવા ની કામગીરી કરી રહી છે તો બીજી બાજુ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ તેમની મુખ્ય ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીની પાછળના ભાગે જ ઓપન સ્પોટ કચરા કેન્દ્ર ની યોગ્ય રીતે સફાઈ નહીં થતાં "જેસે થે" પરિસ્થિતિ સર્જાતી રહે છે. જે કોર્પોરેશન માટે પણ માથાનો દુખાવો સમાન બની ગયો છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ ના કહેવા મુજબ ખંડેરાવ માર્કેટ પાછળ રોજ શાકભાજી ફ્રૂટ નો ઠલવાતો કચરો સફાઈ કરવામાં આવે છે પરંતુ સફાઈ થયા બાદ પણ વેપારીઓ આ ઓપન સ્પોટ પર કચરો નાખતા રહે છે જેથી કચરાના ઢગલા થઈ જતા હોય છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં કચરો નાખનારા ને દંડ ફટકારવામાં આવે છે ત્યારે ખંડેરાવ માર્કેટ પાછળ અવારનવાર ઓપન સ્પોટ આજુબાજુ સીસીટીવી કેમેરા મૂકી કયા વેપારીઓ કચરાનો ઢગલો ઠાલવી જાય છે તેવા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે.