આણંદમાં લઘુમતી વિસ્તારોમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડયો

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
આણંદમાં લઘુમતી વિસ્તારોમાં વેપારીઓએ સજ્જડ બંધ પાડયો 1 - image


યુવકની હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે

ચિખોદરા હત્યા કેસમાં કસૂરવારો સામે કાયદેસરના પગલાં ભરી સજા કરવા માંગણી

આણંદ: આણંદ પાસેના ચિખોદરા ગામે બુલેટ ટ્રેન ઓવરબ્રીજ નજીક આવેલ મેદાનમાં લગભગ એક માસ પૂર્વે ક્રિકેટ મેચ જોવા ગયેલ આણંદના એક મુસ્લીમ યુવકની થયેલ હત્યાના બનાવમાં પોલીસ દ્વારા કેટલાક આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ સાથે આજે મુસ્લીમ અગ્રણીઓ દ્વારા ન્યાયની માંગ સાથે આણંદ સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો અને આણંદના મુસ્લીમ વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધ પાળી બંધને સમર્થન આપ્યું હતું. ગત તા.૨૨મી જુનના રોજ આણંદ પાસેના ચિખોદરા ગામે આવેલ બુલેટ ટ્રેન ઓવરબ્રીજના નજીકના મેદાનમાં ચાલી રહેલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ  દરમિયાન ં મેદાન બહાર મોટરસાયકલ અડી જવા બાબતે સ્થાનિક યુવકો સાથે તકરાર થતા સ્થાનિક યુવકોના ટોળાએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી આણંદના  સલમાન વ્હોરાને ચપ્પાના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ યુવકોની ધરપકડ કરી હતી.

 જો કે કેટલાક રાજકીય વગ ધરાવતા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા પોલીસ દ્વારા ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનો સહિતના મુસ્લીમ અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ હતી. મૃતક સલમાન વ્હોરાને ન્યાય મળે તેના સમર્થનમાં મુસ્લીમ વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધ પાળી પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. જો કે શહેરના હિન્દુ વિસ્તારના બજારો રાબેતા મુજબ ચાલ્યા હતા. આણંદ શહેરના જૂના બસ મથક, સુપરમાર્કેટ, જુના દાદર, પોલસન ડેરી રોડ, ૧૦૦ ફૂટ રોડ સહિતના મુસ્લીમ વિસ્તારમાં બંધની અસર જોવા મળી હતી. સાથે સાથે જિલ્લાના ભાલેજ, ઉમરેઠ, સોજિત્રા, તારાપુર સહિતના વિવિધ ગામોમાં મુસ્લીમ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી હતી.


Google NewsGoogle News