ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ બાદ સુરતના તત્કાલીન TPO ભોયાને જેલમાં ધકેલાયા
ભોયાના રોકાણો અંગેના દસ્તાવેજોની તપાસ ચાલું ઃ બેંક લોકર પણ ખોલાશે
વડોદરા, તા.16 વડોદરાના અકોટા વિસ્તારના રહેવાસી અને સુરત નગર નિયોજકની કચેરીમાંથી ફરજિયાત નિવૃત્ત કરી દેવાયેલ તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કે.એલ. ભોયા સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ એસીબીમાં ગુનો દાખલ થયા બાદ તેઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયા હતાં. આજે રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલી દેવાયા હતાં.
સુરતની નગર નિયોજકની કચેરીના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસભાઇ લાહનાભાઇ ભોયા (રહે.૫,નહેરુપાર્ક, ઉર્મિ ચાર રસ્તા નજીક, જેતલપુરરોડ, વડોદરા, મૂળ વતન તુતરખેડ, તા.ધરમપુર, જિલ્લો વલસાડ)એ ફરજ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની વિગતો એસીબીની તપાસમાં બહાર આવતા એસીબી દ્વારા તેમની વિરુધ્ધ ગુનો દાખલ કરી તેઓની વલસાડથી ધરપકડ કરાઇ હતી.
એ.સી.બી.એ વધુ તપાસ માટે કૈલાસ ભોયાના કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. આજે રિમાન્ડ પૂરા થતાં કૈલાસ ભોયાને ફરી ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાતા કોર્ટે ભોયાને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. એસીબીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારને લગતાં કેટલાંક દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. ધરમપુર ખાતે બેંક ઓફ બરોડામાં કે.એલ. ભોયાના એક બેન્ક એકાઉન્ટની સાથે લોકર પણ મળ્યું હતું જેને એસીબીએ સીલ કરી દીધું છે. આ લોકર ટૂંક સમયમાં ખોલાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.