વડોદરામાં સાડા ત્રણ મહિનાથી બંધ ટોઈંગ ક્રેન લાભપાંચમથી ફરી શરૂ કરવામાં આવી
image : Social media
- નવું ટેન્ડર મંજૂર નહીં થાય ત્યાં સુધી જુના કોન્ટ્રાક્ટરની ચાર ક્રેન વાહનો ટોઈંગ કરશે
વડોદરા,તા.20 નવેમ્બર 2023,સોમવાર
વડોદરામાં જાહેર માર્ગ પર નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરતા વાહનોને ટોઇન કરતી ક્રેન છેલ્લા સાડા ત્રણ મહિનાથી બંધ હતી જે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.
પહેલી ઓગસ્ટના રોજ શહેરમાં નો-પાર્કિંગ ઝોન માંથી ટુ-વ્હીલર ટોઈંગ કરતી ક્રેનોનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા ક્રેન શહેરમાં ફરતી બંધ થઈ ગઈ હતી. નવી ક્રેનના ટેન્ડર માટેની પ્રક્રિયા ચાલુ છે. સાડા ત્રણ મહિના પછી લાભપાંચમના દિવસે ફરીથી જૂના કોન્ટ્રાક્ટરની ક્રેન શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી નવું ટેન્ડર મંજૂર નહીં થાય ત્યાં સુધી શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બબ્બે ક્રેન ટુ-વ્હીલરો નો-પાર્કિંગ ઝોનમાંથી ટોઈંગ કરશે. ઉલ્લેખનીય છે કે વાહનો ટોઈંગ કરતી ક્રેન પર રબરની સીટ રાખવી ફરજીયાત છે જેના કારણે વાહનોને નુકસાન ન થાય પરંતુ ક્રેન પર રબરની સીટ મૂકવામાં આવતી નથી. તેમજ ઘણા કિસ્સાઓમાં વિડીયોગ્રાફી પણ કરવામાં આવતી નથી જેના કારણે વાહન ચાલકો અને ક્રેન ઓપરેટર વચ્ચે અવારનવાર મગજમારી થતી હોય છે.