વડોદરામાં જપ્ત કરાયેલા વાહનોની પાછળ ટોઈંગની ક્રેઇન ફસાઈ : કેબિન નહી હોવાથી ટ્રાફિક જવાનોને મુશ્કેલી
Vadodara News : વડોદરા શહેરમાં આડેધડ રીતે પાર્ક થયેલા અથવા નો પાર્કિંગમાં મુકાયેલા વાહનોને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ટોઈંગ કરી તેને મોતીબાગ નજીક આવેલ ગ્રાઉન્ડમાં ઉતારી દેવામાં આવે છે. ટોઈંગ થયેલા મોટા વાહનો કર્મચારીઓ દ્વારા આડેધડ રીતે મૂકી દેવાતા આ વાહનોની પાછળ ટ્રાફિક શાખાની ટોઈંગવાન જ ફસાઈ ગઈ છે. જેથી તે નીકળી ન શકતા નો-પાર્કિંગમાં મૂકવામાં આવેલા વાહનો જપ્ત કરવાની કાર્યવાહી કોરાણે મુકાય ગઈ છે. જેના કારણે તહેવારોમાં મંગળ બજાર, એમજી રોડ, મારી માતાના ખાંચા બહાર, ખંડેરાવ માર્કેટ પાસે આડેધડ વાહનો પાર્ક થવા લાગ્યા છે. આના કારણે વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી ગઈ છે. તો બીજી તરફ અહીં ફરજ બજાવતા ટ્રાફિક વિભાગ અને હોમગાર્ડના જવાનોના બેસવા માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી. ઉપરાંત તેઓ માટે કોઈ કેબિન કે શૌચાલય ન હોવાથી તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે.