રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ વડોદરામાં TOV ઇવેન્ટ,સર્કસ અને IPL ફેન પાર્ક પણ રદ
વડોદરાઃ રાજકોટના ટીઆરપી ગેમઝોનના બનેલા ગોઝારા બનાવ બાદ વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તમામ ગેમઝોનની સાથે સાથે મોટા ઇવેન્ટ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે.જેમાં લાંબા સમયથી વિવાદમાં રહેલા ટેસ્ટ ઓફ વડોદરાનો પણ સમાવેશ થાય છે.
રાજકોટની દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ,પોલીસ,વીજ કંપની,પીડબલ્યુડી સહિતની ટીમો દ્વારા ગઇકાલે મોડીરાત સુધી ઝુંબેશ ચલાવી તમામ ગેમઝોન બંધ કરાવી દીધા હતા.
તો આજે બીજે દિવસે પણ ફાયર બ્રિગેડ દ્વારા જ્યાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય તેવા કાર્યક્રમોને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા હતા.પોલોગ્રાઉન્ડ ખાતે આઇપીએલ ફેન પાર્કના કાર્યક્રમમાં આજે ફાઇનલ મેચને કારણે લોકો મોટી સંખ્યામાં ઉમટે તેમ હોવાથી તેને બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
આવી જ રીતે સેવાસી વિસ્તારમાં ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટ માટે છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક રહીશો દ્વારા લાઉડ સ્પીકરના ઘોંઘાટને કારણે પરેશાની થતી હોવાથી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.પરંતુ આ ઇવેન્ટને મંજૂરી આપવામાં આવી હોવાથી તેને બંધ કરાઇ નહતી.પોલીસ દ્વારા સાઉન્ડ ચેક કરવામાં આવતું હતું.આ કાર્યક્રમ પણ આજે છેલ્લે દિવસે બંધ કરાવી દેવામાં આવ્યો હતો.
ઇન્ચાર્જ ચીફ ફાયર પાર્થ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે,માંજલપુરમાં ચાલતું ગ્રેટ ગોલ્ડન સર્કસ પણ બંધ કરાવવામાં આવ્યંુ છે.અમારી ટીમો ફાયર સેફ્ટીની પુરતી તપાસ કર્યા પછી ઉપરી અધિકારીઓને રિપોર્ટ મોકલશે અને તેઓ નિર્ણય લેશે.