વડોદરાના કમાટીબાગમાં સહેલાણીઓ માટે જોય ટ્રેન હજુ બંધ હોવાથી સહેલાણીઓ નિરાશ
Joy Train in Kamatibaug vadodara : વડોદરામાં ગયા જાન્યુઆરી મહિનામાં હરણી તળાવ ખાતે હોડી દુર્ઘટના થયા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં બાળકોના આનંદ પ્રમોદ માટે જુદી જુદી રાઈડ તેમજ જોય ટ્રેન સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી. આશરે અઢી મહિના પછી પણ રાઈડ અને જોય ટ્રેન હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી. જોકે જાણવા મળ્યા મુજબ જોય ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે. ઉનાળામાં વેકેશન દરમિયાન કમાટીબાગમાં બહારથી ફરવા આવતા સહેલાણીઓનો ઘસારો વધુ રહે છે. આ સહેલાણીઓ જોય ટ્રેનમાં અચૂક મુસાફરી કરી આનંદ લેતા હોય છે. હાલ સહેલાણીઓ કમાટી બાગમાં ફરવા આવવા શરૂ થઈ ગયા છે, પરંતુ ટ્રેન બંધ હોવાથી નિરાશ થઈ જાય છે.
હરણી હોડી દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સલામતીના મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ ટ્રેનના ટ્રેક અને ટ્રેનના ફિટનેસ સર્ટિફિકેટ વગેરે માગ્યા હતા. આ તમામ સર્ટિફિકેટની કોર્પોરેશનમાં પૂર્તતા કરી દેવામાં આવી છે. જે નાની રાઈડ છે તે સર્ટિફિકેટ ફ્રી છે, એટલે તેના સર્ટી.ની પૂર્તતા કરવાની જરૂર ન હતી, તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશન દ્વારા સર્ટિફિકેટ અને દસ્તાવેજોની ચકાસણી કરી દેવામાં આવી છે, અને હાલ ફાઈલ તૈયાર કરીને અંતિમ મંજૂરી માટે મૂકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, એટલે કે ટૂંક સમયમાં ચાલુ થઈ જાય તેવી શક્યતા છે. જોકે ટ્રેનના ઇજારદારના વર્તુળોના કહેવા અનુસાર કોર્પોરેશનમાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ ચોક્કસ સમય અપાયો નથી. જેના કારણે સહેલાણીઓને પણ ટ્રેન ક્યારે ચાલુ થશે તે અંગે કહી શકતા નથી. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં સહેલાણીઓના આનંદ પ્રમોદ માટે રાઈડ અને ટ્રેનનો ઇજારો અપાયો બાદ દર વર્ષે કોર્પોરેશનમાં વાર્ષિક પ્રીમિયમ ઇજારદાર દ્વારા જમા કરાવવામાં આવે છે.