પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજારતા સાસરિયા
પુત્રીનો ઘર સંસાર બચાવવા પિતાએ ૧૬ લાખ આપ્યા છતાંય ત્રાસ યથાવત્
વડોદરા,પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજારતી સાસુ તથા પતિ સહિત અન્ય સાસરિયા સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમતા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન માર્ચ - ૨૦૧૧માં વિલેશ પાટિલ સાથે થયા હતા. મેં પ્રેમ લગ્ન કર્યા હતા તેમજ મને બાળક નહી થતા મારા સાસુ મારી સાથે ઝઘડો કરતા હતા. મેં મારા પિતાને વાત કરતા તેમણે મને છ લાખ રૃપિયા આપ્યા હતા. મારા સાસુ, સસરાએ અમને સંમતિ કરાર કરી આપતા અમે ઉપરના માળે બાંધકામ કરી ત્યાં રહેતા હતા. ત્રણ વર્ષ પછી તે મકાનનો કબજો પણ મારા સાસુએ પચાવી પાડયો હતો. ત્યારબાદ અમે માંજલપુરમાં નવો ફ્લેટ લઇ રહેતા હતા. તેમાં પણ મારા પિતાએ ૧૦ લાખ આપ્યા હતા. લગ્નના સાડા ચાર વર્ષ પછી એક સંતાનનો જન્મ થયો હતો. મારા પતિ ઘર ખર્ચના પૈસા આપતા નહતા. તેઓ અન્ય મહિલાઓ પાછળ પૈસા વાપરતા હતા. મારી સાસુ ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડો કરતા હતા અને પિયરમાંથી પૈસા મંગાવવા દબાણ કરતા હતા. મારા બચતના રૃપિયા અને દાગીના વેચીને મળેલા રૃપિયા આપી મારા પતિને વિદેશમાં નોકરી કરવા મોકલ્યા હતા. પરંતુ, વિદેશ ગયા પછી પણ તેઓ ઘર ખર્ચના રૃપિયા આપતા નહતા. મને જાણ કર્યા વગર જ તેઓ અચાનક વડોદરા પરત આવી જઇ ઘરમાં તોડફોડ કરી હતી. મારા પતિએ અમારા ઝઘડાના ફોટા વાયરલ કરી દીધા હતા.