જમીન ખેડવાના મુદ્દે ત્રાસ આપતા યુવકે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું
ઘરની બહાર રોડ પરથી એમ્બ્યુલન્સ પસાર થાય તો પણ ડરી ગયેલો યુવક રૃમમાં પુરાઇ જતો હતો
વડોદરા,તિલકવાડાના એક ગામમાં ખેડવા આપેલી જમીન પરત લઇ લેતા તેની રીસ રાખીને યુવકને મારી નાંખવાની ધમકી આરોપીઓએ આપી હતી. જેના કારણે તે ઘરમાં પુરાઇ રહેતો હતો. અને તેણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કિશનવાડી કબીર ચોકમાં રહેતા જ્યંતિભાઇ મગનભાઇ બારિયા અમદાવાદ હનુમાન કેમ્પ ખાતે આર્મીમાં કાર્પેન્ટરની નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારી વડીલોપાર્જિત ભાગે પડતી જમીન તિલકવાડા તાલુકાના રોજાનાર ગામે છે. આ જમીન ખેડવા માટે અમારા કૌટુંબિક સગા મારા મોટા કાકાના દીકરા ઠાકોરભાઇ ભયજીભાઇ બારિયા તથા અમારા ગામના જ્યંતિભાઇ વિઠ્ઠલભાઇ બારિયાને આપી હતી. વર્ષ - ૨૦૨૨માં અમે આ જમીન ખેડવા માટે પરત લઇ લીધી હતી. મારો દીકરો ક્રિષ્ણા તથા માતા કાશીબેન જમીનની દેખરેખ રાખતા હતા. મારા દીકરા ક્રિષ્ણાને ટીસીએસ કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી મળતા તે વડોદરા આવી ગયો હતો. ત્યારબાદ મારો નાનો દીકરો નિલકંઠ જમીનની દેખરેખ રાખતો હતો. અમે જમીન ખેડવા માટે પરત લઇ લીધી હોવાથી ઠાકોરભાઇ તથા જ્યંતિભાઇને મનદુખ થતા તેઓ અવાર - નવાર મારા દીકરા સાથે ઝઘડો કરતા હતા. ઠાકોર, જ્યંતિ તથા શૈલેષે મારા દીકરા નિલકંઠને માર મારતા તે જીવ બચાવી મામાના ઘરે આલમપુર જતો રહ્યો હતો. નિલકંઠે આ વાતની જાણ કરતા હું, મારો મોટો દીકરો, પત્ની તથા ઓળખીતા જગદીશભાઇ સાથે આલમપુર ગયો હતો.
મારા દીકરા પર આડાસંબંધનો વહેમ રાખીને મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મારો દીકરો ગૂમસૂમ બેસી રહેતો હતો. સરખુ ખાતો પણ નહતો અને વાતચીત પણ કરતો નહતો. મેં તેેને પૂછતા તેણે જણાવ્યું કે, જ્યંતિ બારિયા, શૈલેષ બારિયા, ઠાકોર બારિયા તથા સુરેશ બારિયા મને કહેતા હતા કે, તું જાતે મરી જા. કાંતો અમે તને મારી નાંખીશું. આ બનાવ બન્યા પછી ઘરની બહાર રોડ પર એમ્બ્યુલન્સ જાય તો પણ આ ચારેય લોકો મને મારી નાંખશે. તેવી બીકે મારો દીકરો રૃમમાં પુરાઇ જતો હતો. આ લોકોના ત્રાસથી કંટાળીને મારા દીકરાએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.