Get The App

પ્રવાસીના સ્વાંગમાં બેસી મહિલાઓની સોનાની ચેન લૂંટતી રિક્ષા ગેંગનો ત્રાસ

રિક્ષા ગેંગમાં મહિલા પણ હોવાની શક્યતા ઃ પોલીસે ઉપરાછાપરી ગુના નોધ્યા

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
પ્રવાસીના સ્વાંગમાં બેસી મહિલાઓની સોનાની ચેન લૂંટતી રિક્ષા ગેંગનો ત્રાસ 1 - image

, તા.13 વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અથવા મંગળસૂત્ર આંચકી લેતી રિક્ષા ગેંગ સક્રિય થઇ ગઇ છે. આ ગેંગમાં મહિલાઓની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે શહેર પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

આ અંગેની વિગત એવી છે કે વાડી ભાટવાડામાં સુથાર ફળિયામાં રહેતા મનોજ જગદીશભાઇ પટેલની માતા હંસાબેન તેમના પુત્રી મિનાક્ષીબેનના ઘેર મકરપુરા જવા માટે નિકળ્યા હતાં. તેઓ ગીતામંદિર સ્કૂલ પાસેથી રિક્ષામાં બેઠા હતાં અને મકરપુરા જતા હતા ત્યારે રિક્ષાચાલકે પ્રતાપનગરથી સોમાતળાવ તરફ રિક્ષા વાળતાં હંસાબેને ચાલકને કહ્યું કે મારે મકરપુરા જવાનું છે. આ વખતે રિક્ષાચાલકે કહ્યું કે મારે એક પેસેન્જરને આગળ ઉતારવાનો છે હું તેને ઉતારીને પાછો આવું છું તમે અહિં ઊભા રહો. થોડા સમય બાદ હંસાબેને ગળામાં હાથ નાંખતા ગળામાં પહેરેલી દોઢ તોલાની સોનાની ચેન ગાયબ થઇ હોવાનું જણાયું  હતું.

અન્ય બનાવમાં તરસાલી વિસ્તારમાં શીવ રેસિડેન્સી ખાતે રહેતા હેમલતાબેન ખીમજીભાઇ કટેસીયા તા.૧ નવેમ્બરના રોજ બપોરે તરસાલી બાયપાસથી રિક્ષામાં બેસી તરસાલી રવિપાર્ક સોસાયટી સુધી આવ્યા હતાં. આ વખતે રિક્ષામાં પ્રવાસીના સ્વાંગમાં બેસેલા લૂંટારૃઓએ હેમલતાબેનની ગળામાં પહેરેલી બે તોલા વજનની સોનાની ચેન સેરવી લીધી હતી.

આ ઉપરાંત વાઘોડિયારોડ પર વૃંદાવન હાઇટ્સમાં રહેતા ભાવનાબેન કૌશિકભાઇ મિસ્ત્રીના પતિનું સ્કૂટર ચોખંડી ખાતે ગેરેજમાં રિપેરિંગમાં મૂક્યુ હોવાથી ભાવનાબેન સ્કૂટર લેવા માટે રુદ્રાક્ષ બ્લીસ ફ્લેટથી રિક્ષામાં બેસી માંડવી જતા હતા ત્યારે રિક્ષામાં બેસેલી બે વ્યક્તિ પૈકી એક મહિલાએ ગળામાં પહેરેલ દોઢ તોલા વજનની સોનાની ચેન શિફ્તપૂર્વક આંચકી લીધી હતી. ઉપરોક્ત ત્રણે ઘટનાઓ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.




Google NewsGoogle News