તોફાની વરસાદ અને વાવાઝોડાએ વડોદરા અને પંચમહાલમાં ૭ ના જીવ લીધા
પિતાના શ્રાદ્ધ માટે વતન જતા સુરતના ટ્રાન્સપોર્ટરની કાર પર બોર્ડ પડતા મોત : એન્જિનિયર પર ઝાડ પડતા દબાઇ જતા મોત
વડોદરા,બુધવારે સાંજે વાવાઝોડા સાથે ખાબક ી પડેલા ભારે વરસાદે વડોદરા શહેર,જિલ્લો અને પંચમહાલના કાલોલમાં કુલ ૭ વ્યક્તિઓના જીવ લીધા હતા. જેમાં વડોદરા કપુરાઇ ચોકડી પાસે સુરતના ટ્રાન્સપોર્ટર, વડોદરાના એન્જિનિયર, વડોદરાના સિક્યુરિટી જવાન અને પાદરાના બે યુવાન તેમજ કાલોલના માતા પુત્રીએ જીવ ગુમાવ્યા હતા.
પિતાના શ્રાદ્ધ માટે વતન જતા સુરતના ટ્રાન્સપોર્ટરની કાર પર કપુરાઇ ચોકડી પાસે કિલોમીટર દર્શાવતું સાઇન બોર્ડ ધરાશાયી થઇને પડતા કારનો ખુરદો બોલી ગયો હતો. ટ્રાન્સપોર્ટરનું મોત થયું હતું. જોકે, મૃતકના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નહતા. મોતનું કારણ જાણવા માટે પોલીસે પી.એમ. કરાવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના વરાછા વિસ્તારની મારૃતિધામ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના જગદીશભાઇ શંભુભાઇ હીરપરા ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે. તેમના પિતાનું શ્રાદ્ધ હોઇ ગઇકાલે તેઓ પુત્ર રૃષભ સાથે કાર લઇને વતન ભાવનગર જતા હતા. સાંજે વડોદરામાં વાવાઝોડા સાથે પડેલા ધોધમાર વરસાદની વચ્ચે તેઓ કાર લઇને કપુરાઇ ચોકડી પાસેથી જતા હતા. તે દરમિયાન હાઇવે પર કિલોમીટર અને સ્થળ દર્શાવતા લગાવેલું લોખંડની એંગલવાળું બોર્ડ પડતા કારનો ખુરદો બોલી ગયો હતો. આ દુર્ઘટનામાં જગદીશભાઇનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને કોઇ ઇજા પહોંચી નહતી. પોલીસનું કહેવું છે કે, જગદીશભાઇના શરીર પર બાહ્ય ઇજાના કોઇ નિશાન નહતા. જેથી, મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
જ્યારે અન્ય એક બનાવમાં ૨૯ વર્ષનો યુવક જનક નિનામા વડોદરા પ્રતાપનગર પોલીસ લાઇનમાં રહેતો હતો. તેમજ સિક્યિરિટી જવાન તરીકે નોકરી કરતો હતો. તે વતન લીમખેડાથી વડોદરા પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે બાઇક સ્લિપ થતા તેનું મોત થયું હતું.
ત્રીજા બનાવની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષનો સિવિલ એન્જિનિયર કિરણસિંહ કલાલીની સાઇટ પરથી પરત ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન નાગરવાડા પાસે એક ઝાડ ધરાશાયી થતા તે દબાઇ ગયો હતો. નજીકના રહીશોએ એમ્બ્યુલન્સને કોલ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી ગઇ હતી. પરંતુ, ઝાડ નીચે દબાઇ ગયેલા કિરણસિંહને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડનો સ્ટાફ સમયસર નહીં પહોંચતા દોઢ કલાક સુધી તે દબાઇને રહ્યો હતો. છેવટે ફાયરબ્રિગેડના સ્ટાફે આવીને તેને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું. બનાવ બાદ પરિવારજનો મૃતદેહ લઇને જતા રહ્યા હતા. જેના કારણે પી.એમ.થયું નહતું.
કાલોલ નજીક વાવાઝોડામાં વૃક્ષ પડતા માતા -પુત્રીના મોત
નોકરી પરથી ઘરે પરત જતા યુવાન પર ઝાડ પડતા મોત
વડોદરા,પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચોરાડુંગરી ગામે ગાજવીજ સાથે ત્રાટકેલા વાવાઝોડાના કારણે ઘર આંગણે જ એક વૃક્ષ ધરાશાયી થતા ઘરમાં રહેતા દિવાળીબેન ચંદુભાઇ બારિયા,ઉં.વ.૭૨ ( રહે. ઘૂસર ગામ,તા.કાલોલ) અને તેમની દીકરી ટીનીબેન કિશોરભાઇ ચૌહાણ, ઉં.વ.૩૮ ( રહે.ચોરાડુંગરી ગામ) ના મોત થયા હતા. દિવાળીબેન બીમાર જમાઇની ખબર જોવા આવ્યા હતા.
પાદરાના પીપળી ગામે રહેતા ૪૦ વર્ષના કિરણ છત્રસિંહ રાઠોડ હોલસેલની દુકાનમાં નોકરી કરે છે. ગઇકાલે સાંજે તેઓ નોકરી પરથી પરત ઘરે જતા હતા. તે સમયે પાદરા લારીપુરા રોડ અંબાશંકરી પાસે એક વૃક્ષ ધરાશાયી થઇને પડતા ચગદાઇ જવાથી તેઓનું મોત થયું હતું.
વીજ કરંટ લાગતા યુવાનનું મોત
વડોદરા,પાદરાના લતીપુરા રોડ પર વહેલી સવારે માર્કટ યાર્ડમાં નોકરી પર જતો ૩૮ વર્ષનો લાલજી ગંભીરસિંહ નામનો યુવાન ઘરની બહાર મકાનના લોખંડના ટેકાના થાંભલાને અડકી જતા કરંટ લાગતા થાંભલામાં ચોંટી ગયો હતો અને તેનું મરણ થયું હતું.