મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર વાહનચાલકો પાસે વડોદરા-ભરૃચ વચ્ચે જાહેરાત વગર જ પૈસા વસૂલવાનું શરૃ
એનઇ-૪ પર વડોદરા પાસે ત્રણ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ છતાં દરનો કોઇ ઉલ્લેખ નહી
વડોદરા, તા.15 વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર વડોદરાથી ભરૃચ જવા માટે વાહનચાલકોએ હવે ટોલ ચૂકવવો પડશે. વડોદરા નજીક સમીયાલા, ફાજલપુર અને દોડકા ખાતે આ એક્સપ્રેસ વે પર એન્ટ્રી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મુંબઇ-દિલ્હી વચ્ચે એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ વડોદરાથી ભરૃચ વચ્ચે એનઇ-૪ તૈયાર થઇ જતાં તા.૨૩ ફેબુ્રઆરીથી વડાપ્રધાને ખુલ્લો મૂક્યો હતો. વડોદરા-ભરૃચ વચ્ચેના ૮૬ કિ.મી. એક્સપ્રેસ વે પર અત્યાર સુધી કોઇ ટોલ વસૂલવામાં આવતો ન હતો. ટોલ ફ્રી રોડ પર અનેક વાહનો પૂરપાટઝડપે પસાર થતા હતાં.
હવે આ એક્સપ્રેસ વે પર ટોલની વસૂલાત માટે રાજસ્થાનની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે જેના પગલે તા.૧૩મીથી હાઇવે પર વાહનો પાસે ટોલ વસૂલવાનું શરૃ કરી દેવાયું છે. મહત્વની બાબત એ છે કે ટોલ વસૂલાત પહેલાં કોઇ જાહેરાત કરવામાં આવી ન હતી અને અચાનક વાહનચાલકો પાસેથી પૈસા લેવાનું શરૃ કરી દેવાયું હતું. એટલું જ નહી પરંતુ વડોદરા નજીક દોડકા, સમીયાલા અને ફાજલપુર પાસેના ટોલનાકા પર ક્યાં વાહન પાસેથી કેટલો ચાર્જ વસૂલવાનો તેનો પણ કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વડોદરા નજીક સમીયાલાથી ભરૃચ દેગામ વચ્ચેના ટોલના દર
વાહન ટોલના દર
કાર, જીપ ૧૫૫
મિનિ બસ ૨૪૫
૨ એક્સલ ટ્રક, બસ ૫૧૫
૩ એક્સલ ટ્રક, બસ ૬૫૫