વડોદરા-ભરૂચ હાઇવે પરના કરજણ ટોલપ્લાઝા પર દર વધ્યા
- કાર, જીપ અને વાન માટે રૂ.90ના બદલે હવે રૂ.95 લેવાશે : અન્ય વાહનોના પણ ટોલદર વધ્યા
વડોદરા, તા. 29 જૂન, શનિવાર
વડોદરા-ભરૂચ હાઇવે પર તા.1 જૂલાઇથી કાર, જીપ તેમજ વાન સહિતના તમામ વાહનો માટે મુસાફરી મોંઘી બની જશે. કાર, જીપ તેમજ વાન માટે રૂ.90 સીંગલ ટ્રીપ માટેનો ટોલ દર લેવામાં આવતો હતો પરંતુ તેમા વધારો કરી હવેથી રૂ.95 કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાથી ભરૂચ વચ્ચેના સિક્સ લેન હાઇવે પર કરજણ તાલુકાના ભરથાણા ગામ પાસે ટોલ પ્લાઝા પર લેવાતા ટોલદરમાં સતત વધારો થઇ રહ્યો છે. તા.1લીથી અમલમાં આવનારા નવા દરોમાં કાર, જીપ તેમજ વાન માટેના ટોલ દરમાં વધારો કરાયો કરવામાં આવ્યો છે. એક વર્ષ બાદ ટોલટેક્ષના દરોની સમિક્ષા કરવામાં આવી હતી અને આ સિક્સ લેન હાઇવે પરથી પસાર થતા કાર, જીપ અને વાન સહિતના દરેક વાહનો માટેના ટોલદરોમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.
કાર, જીપ તેમજ વાન માટેના જુના દરમાં રૂ.5નો વધારો કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય વાહનોના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ટૂંકમાં વડોદરાથી ભરૂચ સુધીનો આશરે 70 કિલોમીટરના માર્ગ પરના આ ટોલ પ્લાઝા પર હવે વાહન ચાલકોએ વધુ પૈસા ચુકવવાના થશે.