આજે જૂનીગઢી અને પાણીગેટના શ્રીજીની વિસર્જન યાત્રાના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
૧૮ ધાબા પોઇન્ટ, ૨૧ડીપ પોઇન્ટ અને ૧૭ મિડલ પોઇન્ટ : પોલીસ દ્વારા બંદોબસ્તનું રિહર્સલ : માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાયા
વડોદરા,આવતીકાલે શહેરમાં સાતમા દિવસના વિસર્જનને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. શહેરના અતિ સંવેદનશીલ એવા જૂનીગઢી તથા પાણીગેટ રામેશ્વર યુવક મંડળના ગણેશજીની વિસર્જન યાત્રા નીકળવાની છે. જેના પગલે પોલીસે વિસર્જન યાત્રાના રૃટ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા ત્રણ લેયરમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે.
શહેરના અતિ સંવેદનશીલ એવા જૂનીગઢી તેમજ પાણીગેટ વિસ્તારના રામેશ્વર યુવક મંડળના શ્રીજીની વિસર્જન યાત્રા આવતીકાલે નીકળનારી છે. જેને અનુલક્ષીને વિસર્જન યાત્રાના રૃટ પર આવતીકાલે બપોરથી જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. બંદોબસ્તને ત્રણ લેયરમાં ગોઠવવામાં આવ્યો છે. પહેલું લેયર રૃટ પર, બીજું લેયર ડીપ પોઇન્ટ અને ત્રીજું લેયર ડીપ ધાબા પોઇન્ટ. આજે સાંજે જ પોલીસે તમામ ધાબાઓ પર ચેકિંગ હાથ ધર્યુ હતું. વિસર્જન યાત્રાના રૃટ પર ૧૮ ધાબા પોઇન્ટ, ૨૧ ડીપ પોઇન્ટ તેમજ તેની વચ્ચે વધુ ૧૭ પોઇન્ટ તૈનાત કરવામાં આવ્યા છે.
આજે સાંજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાતે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યં હતું. શહેરમાં ગુનાઇત ભૂતકાળ ધરાવતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. માથાભારે તત્વોને પણ પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. આજે સાંજથી આવતીકાલે વિસર્જન યાત્રા પૂર્ણ થતા સુધી સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.
૭૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી પોલીસ સ્ટાફ સજ્જ
વડોદરા,વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય અને તમામ હિલચાલ પર ચાંપતી નજર રહે તે માટે સિટિ કમાન્ડ સેન્ટર પરથી સતત વોચ રાખવામાં આવશે. પોલીસ સ્ટાફને ૭૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત બે હજારથી વધુ પબ્લિક અને પ્રાઇવેટ સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. રૃટ પર ચાર ડ્રોન કેમેરા સતત ચાંપતી નજર રાખશે.
બહારગામથી વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવ્યો
વડોદરા,જૂનીગઢી ઉપરાંત અન્ય વિસ્તારના શ્રીજીની વિસર્જન યાત્રાને અનુલક્ષીને બહાર ગામથી વધુ પોલીસ ફોર્સ બોલાવવામાં આવ્યો છે. ડીસીપી કક્ષાના ૪, ૧૦ ડીવાય.એસ.પી., ૩૫ પી.આઇ., ૬૦ પી.એસ.આઇ. તથા ૬૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત એસ.આર.પી.ની ૬ કંપની પણ બંદોબસ્તમાં હાજર રહેશે.
સાંજે સવા પાંચ વાગ્યે મહાઆરતી પછી યાત્રા નીકળશે
વડોદરા,જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા પૂર્વે સાંજે સવા પાંચ વાગ્યે મહાઆરતી યોજાશે. શોભાયાત્રામાં શિવાજી મહારાજના રૃપમાં લાઠી અને કાઠીનું પ્રદર્શન કરવામાં આવશે. શોભાયાત્રા ડી.જે. ઉપરાંત વક્રતુંડ પુનેરી ઢોલ - તાસા અને બેન્જો સાથે નીકળશે. મુસ્લિમ આગેવાનો દ્વારા પણ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે.