આજે વિસર્જન યાત્રાને અનુલક્ષીને માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરાશે
એક જ સ્થળે શ્રીજીની મોટી મૂર્તિઓની વિસર્જન યાત્રા ભેગી ના થાય તેની તકેદારી રખાશે
વડોદરા,આવતીકાલે મુખ્ય વિસર્જન પૂર્વે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરમાં અગાઉ અશાંતિ સર્જનાર લોકો સામે સવારથી જ અટકાયતી પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત એક મોટા ગણપતિની યાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થઇ જાય પછી જ બીજી સવારી આવે તેને પણ તકેદારી પોલીસ દ્વારા રાખવામાં આવશે.
મંગળવારે શહેરમાં ૧૦ દિવસનું આતિથ્ય માણીને ગણેશજી વિદાય લેશે. ભક્તિભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે વિદાય લેતા બાપ્પાની વિદાય શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા આવતીકાલે સવારથી જ માથાભારે તત્વો સામે અટકાયતી પગલા ભરવામાં આવશે. આ ઉપરાંત મોટા ભાગે એવી સ્થિતિ સર્જાતી હોય છે કે, મોટા શ્રીજીની વિસર્જન યાત્રા એક જ સ્થળે ભેગી થઇ જતી હોય છે . તેના કારણે પણ ઘણીવાર કાંકરીચાળો થતો હોય છે. જેથી, મોટા શ્રીજીની મૂર્તિ સાથે પોલીસની એક ટીમ તૈનાત રહેશે અને આ મૂર્તિની આગળ ગયા પછી જ બીજી મૂર્તિની વિસર્જન યાત્રા આવે તેની તકેદારી રાખવામાં આવશે. તેમજ ડી.જે. ની સાથે પણ એક પોલીસ જવાન હાજર રહેશે.