આજનો દિવસ એમએસયુના ઈતિહાસનો કાળો દિવસ, કાળા કપડા પહેરીને રેલી
ફાઈટ ફોર એમએસયુ આંદોલનમાં વર્તમાન વિદ્યાર્થીઓ સાથે દેશ વિદેશમાં રહેતા પૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા
સોમવાર : એમ.એસ.યુનિવસટીના સત્તાધીશોના મનસ્વી નિર્ણયના કારણે કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વડોદરાના હજારો વિદ્યાર્થીઓને ન્યાય માટે આંદોલન શરૃ થયુ છે જે અંતર્ગત મંગળવારે સવારે ૧૨ વાગ્યે યુનિવસટી બોયઝ હોસ્ટેલ કેમ્પસ ખાતેથી યુનિવસટી હેડ ઓફિસ સુધીની એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ રેલીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, પૂર્વ સિન્ડિકેટ અને સેનેટ સભ્યો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો જોડાશે.
એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોના મનસ્વી નિર્ણયો સામે હવે વડોદરાના લોકોએ બાંયોં ચઢાવી છે અને ફાઇટ ફોર એમએસયુ આંદોલનના મંડાણ કર્યા છે. આ આંદોલનના આગેવાનોનું કહેવું છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરામાં જ શિક્ષણ મળી રહે અને તેમને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પણ બહાર ના જવુ પડે એ હેતુથી મહારાજા સયાજીરાવ યુનિવસટીનો પાયો નાંખ્યો હતો. અને તેના કારણે જ વડોદરાના લાખો લોકો આ યુનિવસટીમાંથી શિક્ષણ મેળવીને દેશ અને વિદેશમાં અલગ અલગ ક્ષેત્રમાં સફળતાના શિખરો પર છે.
આજે આ જ યુનિવસટીમાં વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રાખવા માટેનો કારસો વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવ દ્વારા ઘડવામાં આવ્યો છે અને તેના વિરોધમાં મંગળવારે યુનિવર્સિટીના ઇતિહાસનો કાળો દિવસ તરીકે ઓળખાવવામાં આવશે અને એક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે. રેલીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકો કાળા વો અથવા કાળી પટ્ટી ધારણ કરીને આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.જો કોઈને કાળા કપડા ના પહેરવા હોય તો તેમને કાળી પટ્ટી પણ સ્થળ પર પૂરી પાડવામાં આવશે.
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતે માનવ સાંકળ રચીને વિરોધ વ્યક્ત કર્યો
વડોદરાની એમ.એસ.યુનિવસટીના સત્તાધિશોના મનસ્વી નિર્ણયના કારણે આ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં ૭૫ ટકાએ પ્રવેશ અટકી જતા વડોદરાના જ ૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. જેના વિરોધમા વડોદરામાં આંદોલન શરૃ થયુ છે જે અંતર્ગત આજે વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચીને યુનિવર્સિટી સત્તાધીશો વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા.
વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયે આંખો બંધ કરીને પરિસ્થિતીનો અભ્યાસ કર્યા વગર જ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતની તમામ કોલેજોમાં પ્રવેશ માટે એક જ પધ્ધતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે વડોદરાના હજારો વિદ્યાર્થીઓ ઘર આંગણે શિક્ષણથી વંચીત રહેશે. ગત વર્ષથી આ સ્થિતિનું નિર્માણ થયુ છે અને ગત વર્ષથી જ વિરોધ થઇ રહ્યો છે પરંતુ પ્રજાનો વિરોધ સરકારના કાને નથી પડતો એટલે હવે વડોદરામાં સ્વયંભૂ આંદોલન શરૃ થયુ છે.