Get The App

'કોઇ પણ રમત જીતવા માટે એ શીખવું જરૃરી છે કે હાર કેમ થાય છે'

યુરોપની 120 વર્ષ જુની ફુટબોલ ક્લબ 'બેનફિકા'ના કોચ આંદ્રે ફરેરા પ્રથમ વખત ભારતની મુલાકાતે

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
'કોઇ પણ રમત જીતવા માટે એ શીખવું જરૃરી છે કે હાર કેમ થાય છે' 1 - image


વડોદરા : યુરોપના પોર્ટુગલની ફૂટબોલ ક્લબ બેનફિકાના અંડર-૧૧ ટીમના હેડ કોચ આંદ્રે ફરેરા પ્રથમ વખત ભારતની મુલાકાતે છે. આજે તેઓએ બરોડા ક્રિકેટ એસોસિએશનની મુલાકાત લીધી હતી અને બીસીએના કોચ, ફિઝિયો અને ટ્રેનરો સાથે વાર્તાલાપ કર્યો હતો. 

આંદ્રે ફરેરાએ કહ્યું હતું કે 'હું એક સપ્તાહથી વડોદરામાં છું. અહી ક્રિકેટ સિવાય કોઇ વાત જ નથી કરતુ. ટેલીવિઝનમાં પણ ક્રિકેટ જ દેખાય છે. મને ક્રિકેટ અંગે બહુ જાણકારી નથી પરંતુ તેને સમજવાની કોશીશ કરી રહ્યો છું. ફૂટબોલ હોય કે ક્રિકેટ, રમત કોઇ પણ હોય સૌપ્રથમ ફિટનેસ જરૃરી છે.પછી જરૃર પડે છે રણનીતિની.કોઇ પણ રમત જીતવા માટે એ શીખવું જરૃરી છે કે હાર કેમ થાય છે. સુપર સ્ટાર ખેલાડીઓને સ્ટાઇલ આઇકોન તરીકે ના જોવા જોઇએ. મેદાન ઉપર તે કઇ રીતે રમે છે અને ગેમને કઇ રીતે બદલે છે તે જોવુ જોઇએ.'

સ્ટાર ખેલાડીઓને સ્ટાઇલ આઇકોન તરીકે ના જોવા જોઇએ, મેદાન ઉપર તે કઇ રીતે રમે છે અને ગેમને કઇ રીતે બદલે છે તે જોવુ જોઇએ

બરોડા ક્રિકેટ એસોસિએશનના સીઇઓ સ્નેહલ પરીખે કહ્યું હતું કે 'ભારતની પ્રથમ વખત જ મુલાકાતે આવેલા ફુટબોલ કોચ આન્દ્રે અને તેા સાથી થોમસ દુઆર્ટેએ આજે ભારતના સૌથી જુના ક્રિકેટ એસોસિએશન પૈકી એક બીસીએની મુલાકાત લઇને ક્રિકેટ અંગે અને ક્રિકેટ ટ્રેનિંગ અંગે જાણકારી મેળવી હતી અને ફૂટબોલ કોચિંગ અંગે અમારા કોચ, ફિઝિયો તથા ટ્રેઇનરો સાથે માહિતીની આપ લે કરી હતી'

જ્યારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના ગ્રાસરૃટ કમીટીના સભ્ય સંદીપ દેસાઇએ કહ્યું હતું કે 'યુરોપની ફૂટબોલ પ્રિમિયર લીગની આ વર્ષની ચેમ્પિયન એવી પોર્ટુગલની ૧૨૦ વર્ષ જુની ક્લબ બેનફિકાના કોચ એક નહી બે-બે કોચ વડોદરા આવે એ બાબત સાબિત કરે છે કે વડોદરા રમત ગમત ક્ષેત્રમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડાન ભરશે.'


Google NewsGoogle News