સંસ્કૃતિના સંરક્ષણ માટે સંસ્કૃત ભાષાનો પ્રચાર થવો આવશ્યક છે
સંસ્કૃત ભારતી દ્વારા મનોવાણી કાર્યક્રમ યોજાયો
વડોદરા, તા. 31 મે 2020, રવિવાર
ઘણા લોકો સંસ્કૃત ભાષાને અતિ કઠીન માનીને શીખતા નથી પરંતુ તે તેમની ભ્રમણા છે કારણકે સંસ્કૃત જેટલી સરળ ભાષા કોઈ જ નથી.સંસ્કૃતિના સંરક્ષણ માટે સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર થવો આવશ્યક છે, એમ દંડીસ્વામી સદાનંદસરસ્વતીજી મહારાજે કહ્યું હતું.
સંસ્કૃતના પ્રચાર માટે લોકડાઉનમાં વડોદરા સંસ્કૃત ભારતી દ્વારા ઓનલાઈન મનોવાણી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દંડીસ્વામીએ કહ્યું કે સંસ્કૃત ભાષાનું પુનઃજીવન સંસ્કૃત સંભાષણ વિના શક્ય નથી માટે શાળામાં અધ્યાપકોએ નાનપણથી જ બાળકો સાથે સંસ્કૃતમાં વાતચીત કરવાનું રાખવું જોઈએ, જેથી સંસ્કૃત વ્યવહારની ભાષા બની શકે. ચારેય વેદ આપણી સંસ્કૃતિના આધારસ્તંભ છે એટલે વેદને જાણવા અને સમજવા માટે સંસ્કૃતનું જ્ઞાાન આવશ્યક છે.