શિક્ષિત યુવતીને પજવવા સોશિયલ મીડિયા પર બે ફેક એકાઉન્ટ બનાવી બીભત્સ સ્ટોરી મૂકી
વડોદરા, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર
સોશિયલ મીડિયા ઉપર ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને પજવવાના કિસ્સાઓ બની રહ્યા છે. જેમાં પોલીસ દ્વારા રોમિયો ને શોધી કાઢી જેલ ભેગા કરવામાં આવતા હોય છે.
વડોદરાની એક શિક્ષિત યુવતી સાથે આવો જ એક કિસ્સો બનતા પોલીસ કમિશનરે સાયબર સેલ ને તાત્કાલિક તપાસ કરી રોમિયો ને શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે.
થોડા દિવસ પહેલા આ યુવતી તેના પરિવારજનો સાથે ઘરમાં હાજર હતી ત્યારે નજીકમાં રહેતા મિત્ર એ તેને ઈન્સ્ઉટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવીને કોઈએ ફોટા મૂક્યા હોવાની માહિતી આપતા યુવતીએ એકાઉન્ટ ચેક કર્યું હતું અને તેમાં મેસેજ મૂકી તાત્કાલિક આ એકાઉન્ટ ડીલીટ કરવા જાણ કરી હતી.
પરંતુ રોમિયોએ એકાઉન્ટ ડીલીટ કરવાને બદલે અશ્લીલ વિડિયો તેમજ ફોટો મોકલવા માંડ્યા હતા અને યુવતી નો ફોન નંબર મૂકી અશ્લીલ સ્ટોરી પણ મૂકી હતી. જેને કારણે યુવતી પર સંખ્યાબંધ ફોન આવતા હતા અને તે પરેશાન થઈ ગઈ હતી. ભેજા બાજે બીજું પણ એક ફેક એકાઉન્ટ બનાવ્યું હોવાની માહિતી બહાર આવી હતી. જેમાં તેના ફોટાનો ઉપયોગ થયો હતો. આખરે રોમિયો ને પાઠ ભણાવવા માટે યુવતીએ સાયબર સેલ ના એસીપીની મદદ લઈ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.