Get The App

વેરો વસૂલ કરવા મિલકતો સીલ કરી રૃા.૪.૨૫ કરોડની વસૂલાત કરાઇ

આજે પણ મિલકતો સીલ કરાશે અને પાણી કનેકશન કાપશે : અત્યાર સુધીમાં ૬૫૯ કરોડ આવક થઇ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
વેરો વસૂલ કરવા મિલકતો સીલ કરી રૃા.૪.૨૫ કરોડની વસૂલાત કરાઇ 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકત વેરો ભરપાઇ કરવા માટે વ્યાજ વળતર યોજના શરૃ કરી છે. જેનો ૩૧ માર્ચે છેલ્લો દિવસ છે. બાકી વેરો વસૂલ કરવા મિલકતોને સામૂહિક સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

આજ રોજ માસ સિલિંગની કામગીરીથી કોર્પોરેશનને ૪.૨૫ કરોડની આવક થઇ હતી. ૬૭૧ કરોડના મિલકત વેરાની આવકના ટાર્ગેટ સામે અત્યાર સુધી ૬૫૯ કરોડ મળી ચૂક્યા છે.  બાકી વેરો ભરવા નાગરિકોની સુવિધા માટે તા.૩૧નાં રોજ સાંજે ૭ વાગ્યા સુધી કોર્પોરેશનની તમામ વોર્ડની કચેરીઓ ચાલુ રાખવામાં આવી છે.

આજ સવારથી માસ સિલિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી. આ કામગીરીમાં વોર્ડનો રેવન્યૂ સ્ટાફ, આસિ. કમિશનરો તેમજ વોર્ડ ઓફિસર જોડાયા હતા. પાલિકા દ્વારા અત્યાર સુધી કુલ - ૬૦૧૨૩ કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવેલ છે. જ્યારે રહેણાંક મિલકતોને ૭૨૨૪૦ વોરંટ ઇસ્યૂ કર્યા છે. બાકી વેરા માટે ૧૩૨૩૨૫ મિલકતોને નોટિસ આપવામાં આવી છે. હજી પણ તા.૩૧ માર્ચે સઘન વસૂલાતના ભાગરૃપે કોમર્શિયલ મિલકતો સીલ કરવામાં આવશે. જ્યારે રહેણાંક મિલકતોના બાકી વેરા માટે પાણીના કનેકશન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. બાકી મિલકત વેરાના વ્યાજ પર તા.૩૧ સુધી રહેણાંક મિલકતો માટે ૭૦ ટકા અને બિન રહેણાંક મિલકતો માટે ૫૦ ટકા વ્યાજ માફીની યોજના અમલમાં છે. કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઇન પણ ભરી શકાશે.


Google NewsGoogle News