વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી મહિલાએ એસિડ પી લીધું
ગાંધીનગરના બોરીજ ગામમાં પતિએ લીધેલા વ્યાજવા રૃપિયા બાદ
સફાઈ કામદારને રૃપિયા આપી દસ ટકા વ્યાજ વસૂલતા પોલીસ હાઉસિંગ બોર્ડના બે ડ્રાઇવર સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે બોરીજ ગામમાં પતિ દ્વારા લેવાયેલા વ્યાજવા રૃપિયાની પઠાણી ઉઘરાણીથી કંટાળીને મહિલાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ બે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.
જિલ્લામાં વધી રહેલા વ્યાજખોરના આતંકને પગલે પોલીસ દ્વારા
હવે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે ત્યારે બોરીજ ગામમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં
આવ્યો છે. અહીં રહેતા જીતેન્દ્રકુમાર શંકરભાઈ પોલીસ ભવન ખાતે સફાઈ કામદાર તરીકે
નોકરી કરે છે. તેમને બે થી ત્રણ વર્ષ પહેલા પિતાની નોકરીનો કેસ લડવા માટે રૃપિયાની
જરૃર ઊભી થતા પોલીસ હાઉસિંગ બોર્ડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પરમાર રહે, ગાંધીનગર પાસેથી
૧૦ હજાર રૃપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા અને જેનું દર મહિને એક હજાર વ્યાજ પણ
ચૂકવતા હતા. ત્યારબાદ અહીં ફરજ બજાવતા અન્ય એક ડ્રાઇવર મનુભાઈ દેસાઈ પાસેથી પણ ૨૦
હજાર રૃપિયા દસ ટકા વ્યાજે લીધા હતા. મનુભાઈ પરમાર દ્વારા વ્યાજની કડક ઉઘરાણી
કરવામાં આવતી હતી અને ગઈકાલે દિનેશ પરમાર દ્વારા બોરીજ ખાતે તેમના ઘરે આવીને
વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવી હતી. જેથી તેમની પત્નીએ કહ્યું હતું કે અમે
વ્યાજના રૃપિયા આપી દઈશું જોકે દિનેશભાઈ માન્યા ન હતા અને આજે તો રૃપિયા લઈને ઘરે
જઈશ તેમ કહી બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. આ સ્થિતિને કારણે
તેમને લાગી આવતા ઘરમાં પડેલી એસિડની બોટલ માંથી એસિડ પી લીધું હતું. જેથી તેમને
૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં તેમની ફરિયાદના આધારે પોલીસે આ બંને વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ
શરૃ કરી હતી.