વડોદરામાં આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન, નવલખી મેદાન પરથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે
Vadodara Tirnaga Yatra : વડોદરામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આજે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ગુજરાતના ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. શહેરના નવલખી મેદાન પરથી સાંજે 4:00 વાગ્યે તિરંગા યાત્રા શરૂ થશે. જે કીર્તિસ્થંભ, ખંડેરાવ માર્કેટ, ન્યાયમંદિર, સુરસાગર થઈ ગાંધીનગર ગૃહ ખાતે સમાપ્ત થશે.
સ્વેચ્છિક સંગઠનો, સામાજિક મંડળો, વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો, રાજકીય આગેવાનો અને કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે. યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે. તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રાના રૂટને અનુલક્ષીને પોલીસ દ્વારા નો-પાર્કિંગ તથા નો-એન્ટ્રી જાહેર કરવામાં આવ્યું છે. આ યાત્રાના રૂટ તરફ આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો-એન્ટ્રી અને નો-પાર્કિંગ માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.