વડોદરામાં આવતીકાલે પરંપરા પ્રમાણે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે, સમયમાં ફેરફાર કરાયો
Vadodara News : વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી 17 જુલાઈ, બુધવારના રોજ અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો પરંપરા પ્રમાણે નીકળશે. વરઘોડાના આયોજન માટે મંદિરમાં છેલ્લા બે દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
વડોદરાના રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિરમાંથી દર વર્ષે અષાઢી સુદ એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં પધરામણી કરવામાં આવે છે. રાજવી પરિવારના સભ્યો ભગવાનની પૂજા કરે છે અને એ પછી ભગવાનનો વરઘોડો ન્યાયમંદિર, રાવપુરા થઈને કીર્તિ મંદિર ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ ખાતે પહોચે છે.
દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે એકદાશી નિમિત્તે વરઘોડો સવારે 9-30 વાગ્ય ભજન મંડળીઓ, બેન્ડવાજા સાથે મંદિરથ નીકળશે અને કીર્તિ મંદિરના કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતેથી વરઘોડો બપોરે ચાર વાગ્યે નીજ મંદિર ખાતે પરત આવશે.
આવતીકાલે, બુધવારે મહોરમ પર્વ નિમિત્તે તાજીયા ઠંડા કરવામાં આવશે અને તાજીયાના જુલુસ નીકલળાના હોવાથી દર વર્ષ કરતા બે કલાક પહેલા વરઘોડો મંદિર ખાતે પરત આવશે. આમ વરઘોડોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે, સવારે મંદિરમાં સવારે સાત વાગ્યે રાજભોગ આરતી થશે. મંદિર સવારે નવ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે.